નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે. આવી સ્થિતિમાં અનેક જગ્યાએ રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીના શાહદરા વિસ્તારમાં નવરાત્રીના અવસર પર રામલીલાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. આમાં ભગવાન રામનું પાત્ર ભજવી રહેલા અભિનેતાને અચાનક છાતીમાં દુ:ખાવો થવા લાગ્યો, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકની ઓળખ સુશીલ કૌશિક તરીકે થઈ છે, જે વિશ્વકર્મા નગર વિસ્તારનો રહેવાસી હતો. સુશીલ વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતો.
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે સુશીલ કૌશિક ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે અને યોગ્ય રીતે ડાયલોગ્સ બોલી રહ્યો છે. રામલીલામાં આ સમય દરમિયાન, ભગવાન રામ કોઈને પ્રાર્થના કરી રહ્યા છે, પરંતુ તે દરમિયાન તેમને તેમના હૃદયમાં દુખાવો ઉપડે છે અને અચાનક તેમને કંઈક અજુગતું અનુભવાય છે, તેઓ તેમના હૃદય પર હાથ મૂકે છે અને અચાનક તે મંચ પરથી પાછળની તરફ ચાલ્યા જાય છે. આ સમગ્ર ઘટના રામલીલા જોવા આવેલા દર્શકોના ફોન કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, સુશીલ કૌશિકને સ્ટેજ પર જ હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર પછી તેને ખુબ જ જલ્દીથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 45 વર્ષીય સુશીલ કૌશિક વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતા, પરંતુ તે ભગવાન રામના પરમ ભક્ત હતા અને રામલીલામાં ભગવાન રામની ભૂમિકા ભજવતા હતા.
રામલીલા દરમિયાન કલાકારને હાર્ટ એટેક આવ્યા પછી દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે કોરોના વેક્સીન પર સવાલ ઉઠાવ્યા છે. ટ્વીટ કરીને તેમણે કહ્યું કે, એવી ચર્ચા ચાલી રહી છે કે, કોરોના રસીના કારણે ભારતમાં આવા કિસ્સાઓ સતત પ્રકાશમાં આવી રહ્યા છે, જ્યાં યુવાનો હાલતા ચાલતા હાર્ટ એટેકથી મૃત્યુ પામી રહ્યા છે.
દિલ્હી પોલીસે જણાવ્યું કે સ્વર્ગસ્થ S.K. કૌશિકનો પુત્ર સુશીલ કૌશિક શાહદરાના વિશ્વકર્મા નગર વિસ્તારના શિવ ખંડનો રહેવાસી હતો. ભગવાન રામનું પાત્ર ભજવતી વખતે અચાનક જ હાર્ટ એટેક આવવાથી તેમનું અવસાન થયું. આ રામલીલાનું આયોજન જય શ્રી રામલીલા વિશ્વકર્મા નગર દ્વારા કરવામાં આવી રહ્યું છે.