વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે હાલમાં જ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે. તમણે ચેન્નાઇમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં સદી ફટકારી. આ તેમના ટેસ્ટ કરિયરની છઠ્ઠી સદી હતી. ડિસેમ્બર 2022 બાદ સૌથી લાંબા ફોર્મેટમાં રિષભ પંતનો જૂનો અવતાર નજરે પડ્યો. તેણે ટેસ્ટમાં ભારતના વિકેટકીપર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીના સૌથી વધુ સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ચેન્નાઇ ટેસ્ટ બાદ 26 વર્ષીય પંતની તુલના પૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની સાથે થઇ રહી છે.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ પણ હવે તેના પર પોતાના વિચાર રાખ્યા છે. તેણે કહ્યું કે, બંનેની અત્યારે તુલના નહીં કરી શકાય. તેણે ધોનીને બેટર કરાર આપ્યો. બાસિત અલીએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, ખબર નહીં કયા પ્રકારે લોકોના મનમાં આ વાત આવી જાય છે કે પંત, ધોનીથી બેટર છે. ધોની લીડર હતો. તેણે ભારતને વર્લ્ડ કપ જીતાડ્યા છે. ધોનીએ ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ જીતાડ્યા છે. પંત અત્યારે પરફોર્મ કરી રહ્યો છે. તેને રમત પર ફોકસ કરવા દો.
તેણે વધુમાં જણાવ્યું કે, હું તમને નાનકડા બે ઉદાહરણ આપું છું, જેનાથી ક્લિયર થઇ જશે. શું તમે વિરાટ કોહલીની તુલના શુભમન ગિલ સાથે કરશો? બધા કહેશે નહીં. આ સમયે ધોની IPL સિવાય કોઇ ક્રિકેટ રમતો નથી. ધોની જ્યારે ગ્રાઉન્ડ પર આવે છે તો તાળીઓ બતાવી દે છે કે તેનો કેટલો ક્રેઝ છે. એજ ગ્રાઉન્ડમાં પંત પણ આવે ત્યારે તમે પોતે જોઇ લેજો. પંતે હાલમાં જે પરફોર્મન્સ દેખાડ્યું છે, તેને ચાલુ રાખવા દો. જ્યારે પંત પોતાના કરિયરના અંતમાં હશે ત્યારે તેની તુલના કરવામાં આવશે.
બાસિત અલીએ કહ્યું કે, અત્યારે તુલના ન કરવી જોઇએ. ધોની લીડર હતો. બાસિત અલી ભારતમાં ખેલાડીઓને આગળ વધારવાની સિસ્ટમથી ખૂબ પ્રભાવિત છે. તેણે કહ્યું કે, ભારતમાં મોહમ્મદ અજરૂદ્દીન, સૌરવ ગાંગુલી અને પછી મહેન્દ્ર સિંહ ધોની જેવા કેપ્ટન આવ્યા. તેમણે ખેલાડીઓને આગળ વધાર્યા. ભારતમાં એક પ્રોપર સિસ્ટમ ચાલી રહી છે. પાકિસ્તાનમાં શું થાય છે કે કેપ્ટન જ ખેલાડીને આગળ વધવા દેતો નથી. કેપ્ટનને ડર રહે છે કે ક્યાંક તેની જગ્યા ન જતી રહે. ભારત અને પાકિસ્તાનના ક્રિકેટમાં ખૂબ ફરક છે. આ કડવું સત્ય છે.