બાળકોનો યોગ્ય ઉછેર કરવાની સંપૂર્ણ જવાબદારી માતા-પિતાની હોય છે. બાળકોની નિષ્ફળતા અને તેની સિદ્ધીઓ મોટા ભાગે માતા પિતાના ઉછેર પર નિર્ભર હોય છે. બાળક શું બનશે, કેવું વિચારશે, તેનો વ્યવહાર કેવો રહેશે, તે કેવો માણસ બનશે, આ તમામ વસ્તુ એ વાત પર નિર્ભર હોય છે કે તેને માતા-પિતા પાસેથી શું શીખવા મળ્યું છે.
દ્રષ્ટિ IAS કોચિંગ સેન્ટરના સંસ્થાપક વિકાસ દિવ્યકીર્તિએ એક ઉદાહરણ આપીને સમજાવ્યું કે બાળકોનો ઉછેર કેવી રીતે કરી શકાય. જો તમે પણ પેરેન્ટ છો, તો તમને પણ વિકાસ દિવ્યકીર્તિએ આપેલા આ ઉદાહરણથી ઘણુંબધું શીખવા મળશે.
વિકાસ દિવ્યકીર્તિએ જણાવ્યું કે મધ્યપ્રદેશના સાગરમાં રહેતો એક વ્યક્તિ તેમને સૌથી સારા પિતા લાગ્યા. તે એક કોન્ટ્રાક્ટર છે અને તેનો દિકરો ધોરણ-10માં ફેલ થઇ ગયો. તેનાથી તેના પિતાને ચિંતા થવા લાગી કે તેના દિકરાના મિત્રો અને પડોસીઓ તેના ફેલ થવા પર મજાક ઉડાવશે. તેને જીવનભર ટોણો મારશે કે તે ફેલ થઇ ગયો. મારા દીકરાને આ બધાથી બચાવવા માટે હું શું કરી શકુ?
પિતાએ તેના દિકરાને અકળામણ અને લોકોની મજાકથી બચાવવા માટે સાંજે એક પાર્ટીનું આયોજન કર્યું તેમાં તેના દિકરાના તમામ મિત્રો, સાથે ભણતા બધા વિધાર્થીઓ અને પાડોશીઓને આમંત્રણ આપ્યું. બધાને નવાઈ લાગી કે દિકરો ફેલ થઇ ગયો અને પિતા પાર્ટી આપી રહ્યા છે.
આ પાર્ટીમાં પિતાએ બધાની સામે કહ્યું કે મને ખૂબ જ ખુશી છે કે મારા દિકરાએ અભ્યાસમાં ખૂબ મહેનત કરી અને તેને પરીક્ષા આપવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે ફેલ થઇ ગયો, કશો વાંધો નહીં. આવતા વર્ષે વધુ મોટીવેશનની સાથે ફરી પ્રયાસ કરશે અને તે પાસ થશે. એટલે આમાં ગભરાવવાની કોઈ જરૂર છે નહીં. વિકાસ દિવ્યકીર્તિએ આ ઉદાહરણ આપીને સમજાવ્યું કે બાળકના ફેલ થવા પર તેના પર ગુસ્સે થવાના બદલે તેના પ્રયાસ માટે તેની થોડી પ્રશંસા કરવી જોઈએ.
વિકાસ દિવ્યકીર્તિએ જે ઉદાહરણ આપ્યું છે, તેમાં પિતાએ તેના દિકરાને ફેલ થવા પર પોઝીટીવ રીતે તેનો ઉત્સાહ વધાર્યો. તેણે તું ફેલ થઇ ગયો, નાલાયક છો, કઈપણ કરવા સક્ષમ નથી તેમ કહેવાના બદલે તેના પ્રયાસની પ્રશંસા કરી.
નિષ્ફળતા ખરાબ નથી
માતા-પિતાએ તેના બાળકોને સલાહ આપવી જોઈએ કે ફેલ થવું એ કઈ ખરાબ નથી. નિષ્ફળતા પણ કઇંક શીખવાડે છે અને તમને ખબર પડે છે કે તમારાથી ક્યાં ભૂલ થઇ છે. એટલે તમે તે ભૂલ બીજીવાર નહીં કરો અને વધુ મજબૂત થશો.