હિમાચલ પ્રદેશના શિમલામાં એક અદાલતે શહેરની સંજૌલી મસ્જિદના ‘ગેરકાયદેસર ત્રણ માળ’ તોડી પાડવાનો નિર્દેશ આપ્યો છે. શિમલા મ્યુનિસિપલ કમિશનર (MC)ની કોર્ટે સંજૌલી મસ્જિદ કમિટીને તોડી પાડવાનું કામ પૂર્ણ કરવા માટે બે મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે મસ્જિદ સંબંધિત અરજીમાં સ્થાનિક રહેવાસીઓને પક્ષકાર બનાવવાની અરજીને ફગાવી દીધી હતી. તાજેતરમાં, આ મુદ્દાએ ખુબ વેગ પકડ્યો હતો જ્યારે સ્થાનિક લોકો અને કેટલાક હિન્દુ સંગઠનોએ મસ્જિદને ગેરકાયદેસર ગણાવીને વિરોધ કર્યો હતો.
મસ્જિદ તોડી પાડવાનો ખર્ચ મસ્જિદ કમિટીના સભ્યો ઉઠાવશે. કોર્ટે આગામી સુનાવણીની તારીખ 21 ડિસેમ્બર નક્કી કરી છે. મુસ્લિમ વક્ફ બોર્ડનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ B.S. ઠાકુરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, કોર્ટે મસ્જિદ કમિટીની દલીલ સ્વીકારી છે, જેમાં મસ્જિદના કિનારે અનુમતિપાત્ર મર્યાદાથી વધુ ઉભા કરાયેલા માળખાને તોડી પાડવાનું કહેવામાં આવ્યું હતું. કોર્ટે કમિટીના સભ્યોને પોતાના ખર્ચે તેને તોડી પાડવા માટે બે મહિનાનો સમય આપ્યો છે. આજનો નિર્ણય વચગાળાનો આદેશ હતો. અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. આગામી સુનાવણી 21મી ડિસેમ્બરે થવાની છે.
હકીકતમાં, 30 ઓગસ્ટના રોજ હિમાચલ પ્રદેશના શિમલાના મલ્યાણા ગામમાં બે સમુદાયના લોકો વચ્ચે વિવાદ થયો હતો. બંને વચ્ચે ઝઘડો થયો. જેમાં સ્થાનિક દુકાનદાર યશપાલ સિંહ ઘાયલ થયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, એક ચોક્કસ સમુદાયના વ્યક્તિએ યશપાલના માથા પર સળિયાથી હુમલો કર્યો હતો. આ હુમલાના વિરોધમાં 2 સપ્ટેમ્બરે સ્થાનિક લોકોની ભીડ શિમલાના વિસ્તાર સંજૌલી પહોંચી હતી. ભીડે મસ્જિદને ગેરકાયદેસર બાંધકામ ગણાવ્યું અને તેને વહેલી તકે તોડી પાડવાની માંગ કરી.
ત્યાર પછી 11 સપ્ટેમ્બરે આ અંગે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના અહેવાલો આવ્યા હતા. પ્રદર્શનને જોતા પોલીસે મસ્જિદ પાસેનો રસ્તો બંધ કરી દીધો હતો. પરંતુ વિરોધીઓ રોષે ભરાયા હતા. પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. 13 સપ્ટેમ્બરે હિમાચલ પ્રદેશના મંડીમાં પણ મસ્જિદને લઈને વિવાદ સામે આવ્યો હતો. અહીં, હિન્દુ સંગઠનોએ જેલ રોડ પર ‘ગેરકાયદે’ મસ્જિદના નિર્માણના વિરોધમાં રેલી કાઢી હતી. તેમનો પ્રશ્ન હતો કે એક દાયકા પહેલા ત્યાં મસ્જિદ બનાવવાની પરવાનગી શા માટે આપવામાં આવી? પોલીસે ભીડને વિખેરવા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો.