ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક, આધ્યાત્મિક ગુરુ, યોગ શિક્ષક, લેખક અને મોટીવેશનલ સ્પીકર તરીકે જાણીતા સદગુરુ જગ્ગી વાસુદેવ તાજેતરમાં એક કેસને કારણે વિવાદમાં છે. એક નિવૃત પ્રોફેસરે મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરી હતી કે, તેમની બે દીકરીઓને કોઇમ્બતુરના આશ્રમમાં જબરદસ્તી સંન્યાસી તરીકે રાખવામાં આવી છે. મદ્રાસ હાઇકોર્ટે સદગુરુને સવાલ પુછ્યો હતો કે,તમે તમારી દીકરીને ઠેકાણે પાડી દીધી તો અન્યોની દીકરીને સંન્યાસ લેવા માટે કેમ પ્રોત્સાહિત કરી રહ્યા છો. એ પછી મદ્રાસ હાઇકોર્ટે પોલીસને તપાસના આદેશ આપ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે અત્યારે તપાસ અટકાવીને કેસ સુપ્રીમ કેસમાં ટ્રાન્સફર કરી દીધો છે.
આ સિવાય ગયા વર્ષે જ મદ્રાસ હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે કોઇમ્બતુરના પેરુર તાલુકાના બોલુવમપટ્ટી ગામમાં 20 હેકટર જમીન પર ગેરકાયદેસર બાંધકામની તપાસ કરવામાં આવે. આ ઉપરાંત CAGએ આરોપ લગાવ્યો હતો કે હિલ એરિયાના કન્ઝર્વેશન ઓથોરીટીની મંજૂરી વગર ઇશા ફાઉન્ડેશને બુલુવાપટ્ટી રિઝર્વ ફોરેસ્ટ રેન્જમાં એલિફન્ટ કોરીડોરનું નિર્માણ કરી દીધું છે.
2021માં તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા સદગુરુ જગ્ગી વાસુદેવે એક પોસ્ટ કરી હતી કે તમિલનાડુ સરકારે મંદિરો પર કબ્જો છોડીને ભક્તોને સોંપી દેવો જોઇએ. ત્યારે તેમની પર એવો આરોપ લાગતો હતો કે તેઓ ભાજપના સમર્થક છે.
જગ્ગી વાસુદેવનો જન્મ મૈસુરમાં થયો હતો અને તેમણે પોલ્ટ્રી ફાર્મ, રીઅલ એસ્ટેટ સહિતના બિઝનેસ કર્યા હતા, પરંતુ પત્નીના અવસાન પછી તેમનું જીવન બદલાઇ ગયું હતું.