બિહારના સરકારી શિક્ષણ વિભાગે સરકારી શાળાના શિક્ષકો અને કર્મચારીઓ માટે નોટિસ જાહેર કરી છે. શિક્ષણ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સરકારી શાળાઓના શિક્ષક અને અન્ય કર્મચારી હવે માત્ર ફોર્મલ કપડાઓમાં જ શાળાએ આવશે. ટી-શર્ટ, જીન્સ જેવા કપડાઓ પહેરીને શાળા આવનાર પર સખત કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષણ વિભાગે પહેલા પણ આ સંબંધમાં નિર્દેશ જાહેર કર્યા હતા, પરંતુ હવે તેને સખ્તાઇથી લાગૂ કરવાની યોજના છે.
શું છે આખો મામલો?
શિક્ષણ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓની ગતિવિધિઓમાં શાલીનતા પ્રગટ કરવા અને મર્યાદિત વ્યવહાર કરવાના હેતુથી નિર્દેશ આપવામાં આવ્યા હતા, પરંતુ પ્રાયઃ એ જોવા મળ્યું કે શાળા/શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજ બજાવતા શિક્ષક અને અન્ય કર્મચારી કાર્યાલય સંસ્કૃતિ વિરુદ્ધ અનૌપચારિક પરિધાન (યથા જીન્સ ટી-શર્ટ)માં શાળાઓ/શૈક્ષણિક સંસ્થાઓમાં આવી રહ્યા છે.
શિક્ષણ વિભાગે નોટિસમાં કહ્યું કે, સોશિયલ મીડિયા (ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ વગેરે) તેમજ અન્ય માધ્યમોથી ડાન્સ, ડીજે, ડિસ્કો અને અન્ય નિમ્ન સ્તરની ગતિવિધિઓ સ્કૂલ પરિસરમાં સંચાલિત થતા જોવા મળી છે. વિભાગે કહ્યું કે શિક્ષક અને અન્ય કર્મચારીઓ માટે શાળા પરિસરમાં આ પ્રકારનું આચરણ તેમજ વ્યવહાર શૈક્ષણિક માહોલને નકારાત્મક ઢંગે પ્રભાવિત કરે છે જે સ્વીકાર યોગ્ય નથી.
બિહાર શિક્ષણ વિભાગે કહ્યું કે, માત્ર શિક્ષણ કેલેન્ડર મુજબ વિશેષ દિવસોમાં ડાન્સ, સંગીત વગેરેના અનુશાસિત અને શાલીન કાર્યક્રમો જ માન્ય છે. બતાવવામાં આવેલી પરિસ્થિતિમાં પુનઃ નિર્દેશ આપવામાં આવે છે કે શાળા/ શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજ બજાવતા શિક્ષક અને અન્ય કર્મચારી શિક્ષણ/કાર્યાલયના સમયગાળામાં ગરિમાયુક્ત ઔપચારિક પરિધાન એટલે કે ફોર્મલ ડ્રેસમાં જ શાળા/શૈક્ષણિક સંસ્થાઓમાં આવશે. તેનું અનુપાલન કરવું/ કરાવવું સુનિશ્ચિત કરવામાં આવે.