ચૂંટણી પંચે ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જાહેરાત કરતી વખતે કહ્યું કે, આ વખતે ઝારખંડમાં 5 તબક્કાને બદલે માત્ર 2 તબક્કામાં જ મતદાન થશે. ઝારખંડમાં 13 અને 20 નવેમ્બરના રોજ મતદાન થશે જ્યારે મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. પરંતુ બંને રાજ્યોના પરિણામો 23 નવેમ્બરે સાથે જાહેર થશે.
આ સાથે જ 48 વિધાનસભા અને 2 લોકસભા સીટો માટે પેટાચૂંટણી પણ આ જ તારીખે યોજવામાં આવશે. 13 નવેમ્બરના રોજ 47 વિધાનસભા અને એક લોકસભા સીટ પર મતદાન કરવામાં આવશે, જ્યારે એક લોકસભા અને એક વિધાનસભા સીટ પર 20 નવેમ્બરે મતદાન કરવામાં આવશે. આ તમામ પેટાચૂંટણીના પરિણામો પણ 23 નવેમ્બરે જ જાહેર કરવામાં આવશે.
અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સીટો છે અને કોઈપણ ગઠબંધનને સરકાર બનાવવા માટે 145 સીટોની જરૂર પડે છે. જ્યારે ઝારખંડની વાત કરીએ તો, અહીં 81 વિધાનસભા સીટો છે અને કોઈપણ પાર્ટીને સરકાર બનાવવા માટે 42 સીટોની જરૂર પડતી હોય છે.
જોકે, ઉત્તર પ્રદેશની મિલ્કીપુર સીટ અને પશ્ચિમ બંગાળની બસીરહાટ સીટ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. ચૂંટણી પંચ દ્વારા તેની પાછળ ચૂંટણી સંબંધિત અરજીઓનું કારણ જણાવવામાં આવ્યું છે.
આ અગાઉ, ઝારખંડમાં 2019ની વિધાનસભા ચૂંટણી પાંચ તબક્કામાં યોજાઈ હતી, જે 30 નવેમ્બરથી 20 ડિસેમ્બરની વચ્ચે યોજાઈ હતી. આ વખતે ચૂંટણી પ્રક્રિયા ટૂંકી કરવામાં આવી છે, જેના કારણે 13 અને 20 નવેમ્બરે જ મતદાન પૂર્ણ થઇ જશે.
મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભા ચૂંટણી 21 ઓક્ટોબરે એક જ તબક્કામાં યોજાઈ હતી, જેમાં શિવસેના-BJP ગઠબંધનને બહુમતી મળી હતી. જો કે, પાછળથી બંને પક્ષો વચ્ચે મતભેદો ઉભા થયા અને શિવસેનાએ કોંગ્રેસ અને NCP સાથે મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકારની રચના કરી હતી. જો કે, ત્યાર પછી રાજ્યમાં રાજકીય સમીકરણો ઝડપથી બદલાયા હતા.
આ વખતે, ઝારખંડમાં ચૂંટણી પ્રક્રિયા ટૂંકી અને માત્ર બે તબક્કામાં મતદાન થવાથી તેની શું અસર થશે તે જોવું રહ્યું. જો કે ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ રાજકીય ઉત્તેજના ચોક્કસ વધી ગઈ છે.