મહારાષ્ટ્ર BJPમાં ફરી એકવાર CM ચહેરા માટે BJPના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડેનું નામ સામે આવી રહ્યું છે. તેવામાં એક સવાલ એ પણ ઉભો થાય છે કે, DyCM દેવેન્દ્ર ફડણવીસ અને CM એકનાથ શિંદે શું કરશે?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ સીટોની વહેંચણીમાં વ્યસ્ત છે. CM એકનાથ શિંદેના નામ પર ચૂંટણી લડવાની તૈયારીઓ ચાલી રહી છે. ચૂંટણી પછી શું થશે તે હજુ નક્કી નથી. આ દરમિયાન ફરી એક વખત BJPના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડેનું નામ CM પદ માટે સામે આવવા લાગ્યું છે. ગત ચૂંટણીમાં પણ તેમના વિશે ઘણી ચર્ચા થઈ હતી, પરંતુ BJPએ તેમને તક આપી ન હતી.
હકીકતમાં, બીડમાં એક રેલી દરમિયાન OBC નેતા નવનાથ વાઘમારેએ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે કહ્યું કે OBC સમુદાય પંકજા મુંડેને મહારાષ્ટ્રના પ્રથમ મહિલા CM તરીકે જોવા માંગે છે. ચટગાંવમાં OBCની બેઠકમાં બોલતા નવનાથ વાઘમારેએ કહ્યું કે, 100 OBC ધારાસભ્યોને વિધાનસભામાં મોકલી આપો તે પછી અમારી પંકજા મુંડે CM બનશે. વાઘમારેના આ નિવેદનથી ફરી એકવાર પંકજા મુંડે અને CM પદની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
જો તમે ઈચ્છો છો કે, પંકજા મુંડે પ્રથમ OBC મહિલા CM બને તો 2024માં 100 OBC ધારાસભ્યોને વિધાનસભામાં મોકલો. OBC કાર્યકર્તા નવનાથ વાઘમારેએ નિવેદન આપ્યું છે કે, જો OBC એક થશે તો તે આપણા CM બનશે. મહાગઠબંધનમાં CM પદને લઈને કેન્દ્રમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે હવે OBC વર્ગ પંકજા મુંડેને CM બનાવવાની માંગ કરી રહ્યો છે. જેના કારણે ફરી એકવાર મહાયુતિના CM પદની રેસમાં પંકજા મુંડેનું નામ ચર્ચામાં છે.
પંકજા મુંડેની ગણતરી BJPના દિગ્ગજ નેતાઓમાં થાય છે. તેમણે રાજ્યમાં ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયો પણ સંભાળ્યા છે. OBC સમાજમાં તેમનો પ્રભાવ માનવામાં આવે છે. પિતા ગોપીનાથ મુંડેના સમયથી બીડ વિસ્તારમાં આ પરિવારનો દબદબો રહ્યો છે. ઘણા ધારાસભ્યો પણ તેમની સાથે હોવાનું કહેવાય છે. પરંતુ જ્યારથી DyCM દેવેન્દ્ર ફડણવીસે જવાબદારી સંભાળી છે, ત્યારથી પંકજા મુંડેને તક ઓછી મળી રહી છે.