AAP ચીફ અને દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલને PM મોદીની ડિગ્રી મામલે સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે આ માનહાનિના કેસને સ્ટે આપવાની અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ હૃષિકેશ રોય અને SVN ભાટીની બેન્ચે જણાવ્યું હતું કે, AAP ધારાસભ્ય સંજય સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી આ જ પ્રકારની અરજીને કોર્ટે ફગાવી દીધી છે.
અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ટિપ્પણીઓ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. અરજદારે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદમાં બંને નેતાઓએ ગુજરાત યુનિવર્સિટી સામે અપમાનજનક નિવેદનો કર્યા હતા. AAPના વડા અરવિંદ કેજરીવાલે તેમની સામેના કેસ પર રોક લગાવવાની માંગ કરી હતી. જોકે, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ SVN ભાટીની બેન્ચે AAPના વડા અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી.
બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ, AAPના વડા અરવિંદ કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, તેમણે યુનિવર્સિટી વિરુદ્ધ કોઈ નિવેદન આપ્યું નથી, તેથી તેઓ માનહાનિની કોઈ ફરિયાદ નોંધાવી શકતા નથી. સિંઘવીએ એમ પણ કહ્યું હતું કે, જાહેર જીવનમાં જે વ્યક્તિ તેમની ડિગ્રી જાહેર કરવાની માંગ કરે છે, તેમની સામે માનહાનિની કાર્યવાહી કરી શકાય નહીં. જ્યારે, યુનિવર્સિટી વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટે CICના આદેશને ફગાવી દીધા પછી તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને અમને બદનામ કર્યા છે.
બંને પક્ષોને સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘એવું જોવામાં આવે છે કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ માત્ર હાલના અરજદાર અરવિંદ કેજરીવાલ સાથે જ નહીં, પરંતુ સંજય સિંહ સાથે પણ સંબંધિત છે, જેમની અરજી આ કોર્ટે 8 એપ્રિલ, 2024ના રોજ ફગાવી દીધી હતી. પૂર્ણપણે આપણે એ દ્રષ્ટિ સાથે સુસંગત રહેવું જોઈએ. તે દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને, અમે હાલની અરજી પર વિચારણા કરવા માંગતા નથી. તેથી તેને ફગાવી દેવામાં આવે છે.’