

સુરતના મોટા વરાછા વિસ્તારના સુદામા ચોક પાસે રહેતી 60 વર્ષીય વૃદ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તેમના સગા નાના ભાઈ અને ભાણિયાએ રક્ષાબંધન પહેલાં માત્ર સાત દિવસમાં ટુકડે-ટુકડે કરીને દાગીના અને રોકડ મળી 16.95 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ઉત્રાણ પોલીસે બંનેને મુંબઈમાંથી ઝડપી પકડીને કોર્ટમાં રજુ કર્યા છે. પોલીસે તેમની પાસેથી 15.54 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કઈ રીતે પડાવ્યા પૈસા
માહિતી અનુસાર, શારદાબેન વેગડ (ઉંમર 60) સુદામા ચોક સ્થિત ‘સાંઈ શ્રદ્ધા રેસિડન્સી’માં રહે છે. તેમના નાના ભાઈ રાજેશ કરશન શીરોયા (ઉંમર 57, રહે. રૂકમણી પાર્ક સોસાયટી, કઠોરા, મૂળ ધોરાજી-રાજકોટ)એ ફોન કરીને થોડા સમય માટે પૈસાની તાત્કાલિક જરૂર હોવાનું કહી મદદ માગી હતી. સાથે જ ધમકીભર્યા શબ્દોમાં જણાવ્યું કે, “પૈસા નહીં આપે તો અમારે મરી જવાનો વારો આવશે.” આ રીતે સાત દિવસના ગાળામાં તેમણે રોકડ અને દાગીના મેળવી કુલ 16.95 લાખ રૂપિયા પડાવ્યા.
મુંબઈથી પિતા-પુત્રની ધરપકડ
ફરિયાદના આધારે ઉત્રાણ પોલીસે રાજેશ શીરોયા અને તેમના પુત્ર અક્ષય શીરોયા (ઉંમર 26)ને મુંબઈમાંથી પકડી પાડ્યા. કોર્ટમાં રજુ કર્યા બાદ બંનેને બે દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.
પહેલાં પણ કરી છેતરપિંડી
પોલીસ તપાસમાં ખુલ્યું કે, પિતા-પુત્ર છૂટક મજૂરી કરે છે, પરંતુ વારંવાર સગાંસંબંધી અને ઓળખીતાઓ પાસેથી હાથ ઉછીના લઈ પરત આપતા નથી. અક્ષય શીરોયાએ અગાઉ રાજકોટ ખાતેના મિત્ર પાસેથી પણ 17 લાખ પડાવ્યા હતા. ઉપરાંત, ચોકબજાર પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાયેલો છે.
