fbpx

PM મોદીની સુરક્ષાને લીધે CM સોરેનના હેલિકોપ્ટરને દોઢ કલાક ઉડવા ન દેવાયુ,તેમણે…

Spread the love

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં હેલિકોપ્ટર વિવાદની એન્ટ્રી થઇ છે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM)એ સોમવારે દાવો કર્યો હતો કે, તેના સ્ટાર પ્રચારક અને CM હેમંત સોરેનના હેલિકોપ્ટરને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. JMMનો આરોપ છે કે, PM નરેન્દ્ર મોદીના સુરક્ષા પ્રોટોકોલનો ઉલ્લેખ કરીને ચૂંટણી પંચે CM સોરેનના હેલિકોપ્ટરને દોઢ કલાક સુધી ઉડવાની મંજૂરી આપી ન હતી. JMMએ વિધાનસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે હસ્તક્ષેપની માંગ કરી છે.

JMMના પ્રવક્તા સુપ્રિયો ભટ્ટાચાર્યએ રાષ્ટ્રપતિ મુર્મુને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ‘અમારા સ્ટાર પ્રચારક CM હેમંત સોરેન, બપોરે 1.45 વાગ્યે પશ્ચિમ સિંહભૂમના ગુદડીમાં એક સભાને સંબોધિત કર્યા પછી, સિમડેગાના બજાર ટંડમાં 2.25 વાગ્યે ચૂંટણી સભાને સંબોધિત કરવાના હતા. PM નરેન્દ્ર મોદી ચૂંટણી રેલીને સંબોધવા માટે બપોરે 2:40 વાગ્યે ચાઈબાસામાં આવવાના હતા. ગુદરી અને ચાઈબાસા વચ્ચેનું અંતર 80 કિલોમીટર છે જ્યારે સિમડેગા વચ્ચેનું અંતર 90 કિલોમીટર છે. ચૂંટણી પંચે CM સોરેનની મુલાકાતને મંજૂરી આપી દીધી હતી. પરંતુ PMના સુરક્ષા પ્રોટોકોલનો ઉલ્લેખ કરીને CM સોરેનના હેલિકોપ્ટરને દોઢ કલાક માટે રોકી રાખવામાં આવ્યું હતું.’

પાર્ટીએ કહ્યું કે PM મોદીની ગઢવા અને ચાઈબાસાની મુલાકાતને કારણે ‘નો-ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો હતો. ભટ્ટાચાર્યના જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચે કહ્યું હતું કે, સુરક્ષાના કારણોસર 50 કિલોમીટરની ત્રિજ્યામાં 15 મિનિટ માટે નો-ફ્લાઈંગ ઝોન જાહેર કરી શકાય છે. પરંતુ નિયમોનો ભંગ કરીને CM સોરેનના હેલિકોપ્ટરને 90 મિનિટથી વધુ સમય સુધી ઉડવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

રાષ્ટ્રપતિ મુર્મુને લખેલા પત્રમાં JMM નેતાએ લખ્યું છે કે, ‘અમારા CM આદિવાસી સમુદાયમાંથી આવે છે અને લાંબા સંઘર્ષ પછી આ પદ પર પહોંચ્યા છે. તમે પણ આદિવાસી સમુદાયના છો અને લાંબા સંઘર્ષ પછી તમે દેશના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા છો. તેમણે રાષ્ટ્રપતિને આદિવાસી જનપ્રતિનિધિઓ સહિત તમામ સ્ટાર પ્રચારકોને સમાન બંધારણીય રક્ષણ અને સન્માન મળે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.

BJPના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ કહ્યું, ‘આ હંમેશા સુરક્ષાના કારણોસર કરવામાં આવે છે અને આ આજથી નહીં પરંતુ લાંબા સમયથી કરવામાં આવી રહ્યું છે. PM જ્યાં પણ જાય છે તે વિસ્તારને ત્યાં સુધી અન્ય લોકો માટે નો-ફ્લાઈંગ ઝોન તરીકે રાખવામાં આવે છે જ્યાં સુધી PM ત્યાંથી નીકળી જતા નથી. PM સિવાય કોઈના હેલિકોપ્ટરને ઉડવાની મંજૂરી નથી, જ્યારે તેઓ ત્યાં હાજર હોય.’

આસામના CM અને ઝારખંડ BJP વિધાનસભા ચૂંટણીના સહ-પ્રભારી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, ‘PM દેશના સર્વોચ્ચ અધિકારી છે. તેમની સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે પણ PM ક્યાંક જાય છે, ત્યારે ત્યાં થોડા સમય માટે હવાઈ ટ્રાફિક બ્લોક કરવામાં આવે છે… જો CM હેમંત સોરેન PMની સુરક્ષાના મુદ્દાને રાજકારણનો મુદ્દો બનાવે છે, તો તે બતાવે છે કે, તેઓ કેટલા ગભરાઈ ગયા છે…’

ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 13 નવેમ્બર અને 20 નવેમ્બરે યોજાશે. મતગણતરી 23 નવેમ્બરે થશે.

Leave a Reply

error: Content is protected !!