fbpx

મહારાષ્ટ્રની કઈ વિધાનસભા બેઠક પર વધુ ઉમેદવાર છે, અને ક્યાં માત્ર 3 ઉમેદવાર છે?

Spread the love

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાની સાથે ચૂંટણી ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. સત્તાધારી મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે વધુ બેઠકો પર સ્પર્ધા થવાની ધારણા છે. ચાલો આપણે જાણી લઈએ કે આ વિધાનસભા ચૂંટણીમાં કઈ સીટ પર સૌથી વધુ ઉમેદવારો છે અને કઈ સીટ પર સૌથી ઓછા ઉમેદવારો છે.

આ વિધાનસભા ચૂંટણી મહારાષ્ટ્રના બે મુખ્ય પક્ષો માટે સર્વોપરિતાની લડાઈ બની ગઈ છે. તમામની નજર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પર છે. આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ 33 ઉમેદવારો નાંદેડ ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે સૌથી ઓછા ત્રણ ઉમેદવારો નંદુરબાર જિલ્લાની શાહદા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. ચૂંટણી પંચના ડેટા અનુસાર, મહારાષ્ટ્ર વિધાનસભાની કુલ 288 બેઠકો માટે 4,140 ઉમેદવારો મેદાનમાં છે અને અહીં 20 નવેમ્બરે મતદાન થશે. નવી મતદાર યાદીની ઉલ્લેખ કરીને ચૂંટણી પંચ (EC)ના અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં 9.7 કરોડથી વધુ મતદારો છે, જેમાંથી 22,22,704 મતદારો 18 થી 19 વર્ષની વય જૂથના છે.

મહારાષ્ટ્રમાં 30 ઓક્ટોબરે અપડેટ થયેલી મતદાર યાદી અનુસાર, રાજ્યમાં 9,70,25,119 મતદારો છે, જેમાં 5,00,22,739 પુરૂષો અને 4,49,96,279 મહિલાઓનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) S. ચોકલિંગમે કહ્યું કે, રાજ્યમાં 6,101 ‘ટ્રાન્સજેન્ડર’ મતદારો, 6.41 લાખ અપંગ લોકો અને 1.16 લાખ સેવા મતદારો છે. તેમણે કહ્યું કે, મતદાનની ટકાવારી વધારવા માટે ચૂંટણી પંચ મુંબઈ, થાણે અને પુણેમાં બહુમાળી ઈમારતો અને રહેણાંક સંકુલોમાં 1,181 મતદાન મથકો સ્થાપશે.

CEOએ કહ્યું કે, આ જ રીતે ઝૂંપડપટ્ટીમાં પણ 210 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં પૂરતી સંખ્યામાં EVM ઉપલબ્ધ છે અને 1,00,186 મતદાન મથકો માટે 2,21,600 બેલેટ યુનિટ, 1,21,886 કંટ્રોલ યુનિટ અને 1,32,094 VVPAT છે. CEOએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 288 વિધાનસભા બેઠકો માટે 142 સામાન્ય નિરીક્ષકો, 41 પોલીસ નિરીક્ષકો અને 71 ખર્ચ નિરીક્ષકો છે. રાજ્યમાં ચૂંટણી પછી 23 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

error: Content is protected !!