ઝારખંડમાં 81 વિધાનસભાની બેઠક માટે બે તબક્કામાં મતદાન થવાનું છે. 13 નવેમ્બરે 43 બેઠકો માટે પહેલાં તબક્કાનું મતદાન થશે જ્યારે 20 નવેમ્બરે બીજા તબક્કામાં 38 બેઠકો પર ચૂંટણી થવાની છે. પહેલા તબક્કામાં કુલ 683 ઉમેદવારો મેદાનમાં છે. પૂર્વ મુખ્યમંત્રી ચંપઇ સોરેન અને અનેક મંત્રીઓની પ્રતિષ્ઠા પહેલા તબક્કામાં દાવ પર લાગેલી છે. બીજા તબક્કામાં 528 ઉમેદવારો મેદાનમાં છે જેમાં 55 મહિલાઓ છે.
ઝારખંડ વિધાનસભાના ઇતિહાસમાં આજ સુધી કોઇ પણ પાર્ટી બહુમતી મેળવી શકી નથી. ઝારખંડ મૂક્તિ મોર્ચા, કોંગ્રેસ અને આરજેડીના ગઠબંધનમાં સરકાર ચાલતી હતી. 2019 વિધાનસભાની ચૂંટણીમાં 9 સીટ એવી હતી જેમાં ઉમેદવારો 5000થી ઓછા માર્જિનથી ચૂંટણી જીત્યા હતા. આ નવ બેઠકોમાંથી ભાજપ 5 પર ચૂંટણી જીત્યું હતું. એટલે આ 9 બેઠકો પર બધી પાર્ટીની નજર રહેશે.