fbpx

કોણ છે રશ્મિ શુક્લા? મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા પંચે DGPનું પદ કેમ છીનવી લીધું?

Spread the love

મહારાષ્ટ્ર વિધાનસભા માટે 20 નવેમ્બર 2024ના રોજ ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા રાજ્યમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલીઓ રાજ્યના DGP રશ્મિ શુક્લા દ્વારા કરવામાં આવી હતી પરંતુ હવે તેમને ખુદ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચે સોમવારે તેમને પદ પરથી હટાવી દીધા હતા. આવી સ્થિતિમાં, એક પ્રશ્ન મનમાં આવી રહ્યો છે કે, છેલ્લા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં રહેલા રશ્મિ શુક્લા કોણ છે. આનો સીધો જવાબ એ છે કે, રશ્મિ શુક્લા મહારાષ્ટ્રના પ્રથમ મહિલા DGP છે પરંતુ તેમને હટાવવા પાછળ એક લાંબી કહાની છે. આવો અમે તમને જણાવીએ…

રશ્મિ શુક્લાને હટાવવાનો નિર્ણય મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ અને અન્ય ઘણા રાજકીય પક્ષોની ફરિયાદો પછી લેવામાં આવ્યો છે. કોંગ્રેસના ફોન ટેપિંગના આક્ષેપ પછી ચૂંટણી પંચે મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લાની બદલીનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર, રાજ્યના મુખ્ય સચિવને મહારાષ્ટ્રના નવા DGPની નિમણૂક માટે 5 નવેમ્બર સુધીમાં ત્રણ IPS અધિકારીઓની પેનલ મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ 31 ઓક્ટોબરે રાજીવ કુમારને પત્ર લખીને રશ્મિ શુક્લાને તેમના પદ પરથી હટાવવાની વિનંતી કરી હતી અને તેમના પર કોંગ્રેસ, શિવસેના (UBT) અને NCP (SP) સહિત રાજ્યના વિરોધ પક્ષોએ ‘સ્પષ્ટ પક્ષપાત’ દર્શાવવાનો આરોપ હતો. તેમણે તેમના પત્રમાં સ્પષ્ટ પૂર્વગ્રહ દર્શાવ્યો હતો કે, ‘છેલ્લા 20 દિવસોમાં, વિરોધ પક્ષો સામે રાજકીય હિંસામાં નોંધપાત્ર વધારો થયો છે, આ સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઘણી નીચે ચાલી ગઈ છે, તેમણે કોંગ્રેસ, શિવસેના (UBT) અને NCP (SP)ની વિરુદ્ધ દેખીતો પૂર્વગ્રહ બતાવ્યો હતો, જેમ કે, પુણે પોલીસ કમિશનર અને સ્ટેટ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ (SID) કમિશનર તરીકે ફરજ બજાવતી વખતે વિપક્ષી નેતાઓના ગેરકાયદેસર ફોન ટેપિંગનો રેકોર્ડ, જે તેમના ભૂતકાળના રેકોર્ડથી સ્પષ્ટ છે.’

રાજ્યસભાના સાંસદ અને શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે મીડિયાને કહ્યું હતું કે, ‘રાજ્યના પોલીસ મહાનિર્દેશક રશ્મિ શુક્લા પર ખૂબ જ ગંભીર આરોપો છે. 2019માં, જ્યારે અમારી સરકાર બની રહી હતી, ત્યારે આ પોલીસ મહાનિર્દેશક, જેઓ સીધા ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા હતા, અમારા બધા ફોન ટેપ કરી રહ્યા હતા અને અમે શું કરવા જઈ રહ્યા છીએ તેની સંપૂર્ણ માહિતી દેવેન્દ્ર ફડણવીસને આપી રહ્યા હતા.’

રશ્મિ શુક્લા 1988 બેચના IPS અધિકારી છે. આ વર્ષે જાન્યુઆરીમાં તેમને રાજ્યના DGP બનાવવામાં આવ્યા હતા. આ પહેલા, તેમને સેન્ટ્રલ ડેપ્યુટેશન પર સશસ્ત્ર સીમા બલ (SSB)માં DG તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ આ વર્ષે જૂનમાં નિવૃત્ત થવાના હતા, પરંતુ સરકાર દ્વારા તેમને એક્સ્ટેંશન આપવામાં આવ્યું હતું. જેના કારણે તે હજુ પણ આ પદ પર રહ્યા હતા. એક્સટેન્શન મળ્યા પછી વિપક્ષી પાર્ટીઓનો તેમની સામેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો.

રશ્મિ શુક્લાનો જન્મ 15 ઓગસ્ટ 1965ના રોજ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાંથી થયું હતું. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતક પૂર્ણ કર્યું અને પછી મુંબઈ યુનિવર્સિટીમાંથી તેમણે માસ્ટર ડિગ્રી મેળવી. વર્ષ 1988માં માત્ર 22 વર્ષની ઉંમરે તેમણે UPSC પાસ કરી અને IPS ઓફિસર બન્યા હતા.

error: Content is protected !!