મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન, 400થી વધુ NGO મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમ વોટ બેંકને એકત્ર કરવા માટે સક્રિય છે. તેમનો ઉદ્દેશ્ય ચોક્કસ પક્ષ માટે વાતાવરણ ઊભું કરવાનો હોવાનું કહેવાય છે. કેટલાક ઉલેમા સંગઠનો પર મુસ્લિમ મતો માટે મહા અઘાડી સાથે સોદાબાજી કરવાનો આરોપ છે. દરમિયાન 125 કરોડની ઉચાપતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા જ કરોડો રૂપિયાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. આ મામલામાં નોંધાયેલી FIR અનુસાર ચૂંટણી પહેલા 200થી વધુ બેંક ખાતાઓમાં મોટા પાયે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ખાતાઓમાંથી રાતોરાત પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા, ત્યારપછી આ રકમનો દુરુપયોગ થવાની શક્યતા છે.
FIRમાં કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રના માલેગાંવ સાથે જોડાયેલા 13 બેંક ખાતાઓમાં 125 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે. આ ખાતાઓમાંથી નાણાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અમદાવાદ અને મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં મોકલવામાં આવ્યા હતા.
BJPના નેતા કિરીટ સોમૈયાએ આ વ્યવહારને લઈને ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. તેમણે દાવો કર્યો હતો કે, 200 ખાતાઓ દ્વારા 2500થી વધુ વ્યવહારો થયા હતા, અને સમગ્ર કામગીરી ઓક્ટોબરમાં શરૂ થઈ હતી. સોમૈયાએ મોટી એજન્સીઓને આ મામલે તપાસ કરવાની અપીલ કરી છે.
આ મામલે જયેશ મિસાલ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. જયેશ દાવો કરે છે કે, માલેગાંવના રહેવાસી મોહમ્મદ શિરાઝે 13 લોકોના બેંક ખાતા ખોલાવ્યા હતા, જે તમામ હિન્દુ હતા. ખાતાધારકોને મોટા સરકારી કામો અને સમાજ સેવાના પૈસા મળવા બાબતે છેતરવામાં આવ્યા હતા.
જયેશના કહેવા પ્રમાણે, તેના ખાતામાં 16 કરોડ રૂપિયા અને અન્ય બાતમીદારના ખાતામાં 15 કરોડ રૂપિયા જમા થયા હતા. આટલી મોટી રકમની લેવડદેવડથી શંકા ઉભી થઈ અને આ પછી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. FIRમાં આરોપ છે કે, શિરાઝે પૈસા મોકલ્યા અને રાતોરાત ઉપાડી લીધા.
ખાસ વાત એ છે કે, માલેગાંવમાં જ્યાં મુસ્લિમોની બહુમતી છે ત્યાં શિરાઝે હિંદુ લોકોના નામે જ ખાતા ખોલાવ્યા હતા. આ પ્રકારની વ્યૂહરચના પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, શું આ પ્રકારની પૈસાની લેવડદેવડ પકડાઈ ન જાય તે માટેનું આયોજન હતું.
આ મામલે પોલીસે અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ભારતીય ન્યાયિક સંહિતાની ધારા 3 કલમ 5, ધારા 316 કલમ 5, ધારા 318 કલમ 4, ધારા 336 કલમ 4 અને ધારા 338 લાગુ કરવામાં આવી છે. આમાં બનાવટ, છેતરપિંડી અને નકલી દસ્તાવેજો તૈયાર કરવા માટે લાંબી સજા અને દંડની જોગવાઈ છે.