બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા પહોંચેલી ભારતીય ટીમ માટે સારા સમાચાર છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ફિટ થઈ ગયો છે અને મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. શમી બુધવાર (13 નવેમ્બર)ના રોજ સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફરશે. તે ઈન્દોરમાં બંગાળ અને મધ્યપ્રદેશ વચ્ચે રણજી ટ્રોફી મેચ રમશે. આ માહિતી બંગાળ ક્રિકેટ એસોસિએશન દ્વારા શેર કરવામાં આવી છે.
શમી ગયા વર્ષે વનડે વર્લ્ડ કપ પછીથી રમતના મેદાનથી દૂર છે. તેણે છેલ્લે 19 નવેમ્બર 2023ના રોજ ક્રિકેટ મેચ રમી હતી. એક મીડિયા ચેનલના રિપોર્ટ અનુસાર, શમી હજુ સુધી ટીમ સાથે જોડાયો નથી, પરંતુ બંગાળના કોચ લક્ષ્મી રતન શુક્લાએ પુષ્ટિ કરી છે કે, તે મંગળવારે (12 નવેમ્બર) ઈન્દોર પહોંચશે અને રમતમાં ભાગ લેશે. શમીને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) તરફથી જરૂરી મંજૂરી પણ મળી ગઈ છે.
બેંગલુરુમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ પછી, મોહમ્મદ શમીએ ભારતના સહાયક કોચ અભિષેક નાયર સામે ઘણી બોલિંગ કરી અને સારા ફોર્મમાં દેખાયો હતો. બ્લેક સ્લીવલેસ ટી-શર્ટ, શોર્ટ્સ અને ડાબા ઘૂંટણ પર પટ્ટી પહેરીને, શમીએ રાઉન્ડ ધ વિકેટમાંથી ડાબા હાથના નાયરને બોલિંગ કરી, પીચ પર સતત સારી લેન્થ વાળી જગ્યાએ બોલ ફેંક્યો અને ક્યારેક ક્યારેક બાઉન્સર પણ ફેંક્યો.
શમીની સ્પર્ધાત્મક ક્રિકેટમાં વાપસી પણ ભારત માટે સારા સમાચાર છે. ટીમ 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાના પાંચ ટેસ્ટ મેચના પ્રવાસ માટે રવાના થઈ હતી. એક સ્પોર્ટ ચેનલના જણાવ્યા અનુસાર, ગયા મહિને કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે, તેમને આશા છે કે શમી પ્રવાસના અમુક ભાગ માટે ફિટ થઇ જશે. જો કે શમીને પહેલાથી જ જાહેર કરાયેલી ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી, પરંતુ જો તે ફિટ રહેશે તો તે ટીમમાં સામેલ થઈ શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, મોહમ્મદ શમીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ગયા વર્ષે ODI વર્લ્ડ કપની ફાઈનલ પછી તેણે કોઈ સ્પર્ધાત્મક મેચ રમી નથી અને તે બેંગલુરુમાં NCAમાં તાલીમ લઈ રહ્યો છે. ગયા મહિને એક કાર્યક્રમમાં બોલતા શમીએ કહ્યું હતું કે, તે 100 ટકા બોલિંગમાં પાછો ફર્યો છે અને તેના સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. જો કે, તેને રણજી ટ્રોફીના આગલા રાઉન્ડમાં બંગાળ ટીમ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો, જ્યાં તેનો સામનો કર્ણાટક સામે થવાનો હતો.