મેડિકલ સ્ટોર્સમાં અચાનક પ્રેગ્નન્સી નિવારણની ગોળીઓ વેચાવા લાગે તો? લોકો વિચારવા લાગશે કે આ કેવી રીતે થયું. દુકાનમાં ઘણા બધા ઓર્ડર મળ્યા પછી દુકાનદારો પણ ગભરાયેલા દેખાયા હતા. જો કે, આ ભારતનો નહીં પરંતુ અમેરિકાનો મુદ્દો છે અને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા ત્યાર પછીથી આ ઘટનાઓ શરૂ થઈ છે. મહિલાઓ સહિત ઘણા લોકોમાં ડર છે કે, ભવિષ્યમાં પ્રેગ્નેન્સી પિલ્સ પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. જેના કારણે લોકોએ તેનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું છે.
તાજેતરની અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પછી, USમાં ગર્ભપાતની ગોળીઓની માંગ ઘણી હદ સુધી વધી ગઈ છે અને આ આંકડો સાંભળીને દરેકને આશ્ચર્ય થયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં પરિણામો આવ્યા પછી ઘણા લોકોએ ગર્ભપાત અધિકારો પર સંભવિત નિયંત્રણો અંગે ચિંતા વ્યક્ત કરી હોવાથી આ વધારો થયો છે.
મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ, જેમ જેમ ચૂંટણી પરિણામો ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણમાં દેખાવા લાગ્યા, એઇડ એક્સેસ, જે એક મેલ-ઓર્ડર ગર્ભપાત ગોળીઓ પ્રદાતા છે, તેને માત્ર 12 કલાકમાં 5,000 રિકવેસ્ટ મળી હતી. એઇડ એક્સેસના સ્થાપક રેબેકા ગોમ્પર્ટ્સે જણાવ્યું કે, ‘જેમ જેમ આપણે વાત કરતા જઈએ છીએ, હું જોઈ શકું છું કે નવી રિકવેસ્ટ આવી રહી છે. આવું પહેલાં ક્યારેય બન્યું નથી.’
ગર્ભપાતની ગોળીઓની સાથે, કટોકટી ગર્ભનિરોધકની માંગમાં પણ વધારો જોવા મળ્યો છે. ટેલિહેલ્થ સેવા Wisp, જે કટોકટી ગર્ભનિરોધક પ્રદાન કરે છે, તેમાં 300 ટકાનો વધારો નોંધાયો છે. આ દરમિયાન, પ્લાન C, જે ગર્ભપાતની ગોળીઓ માટે નિર્દેશિકા પ્રદાન કરે છે, તેણે તેની વેબસાઇટ પર આવતી રીકવેસ્ટમાં 625 ટકાનો વધારો જોયો.
પ્લાન Cના સહ-સ્થાપક એલિસા વેલ્સે કહ્યું, ‘સ્પષ્ટપણે લોકો ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રજનન અધિકારના ક્ષેત્રમાં આવનારા ગંભીર પડકારોનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે.’ આ નિવેદન ચૂંટણી પરિણામોને પગલે ઊંડી આશંકા દર્શાવે છે, જેમાં ઘણી સ્ત્રીઓ અને લોકો ગર્ભપાત અને જાતીય સ્વાસ્થ્ય અધિકારોને લઈને ડરેલા છે.
ગર્ભનિરોધક અને ગર્ભપાત સંબંધિત ઉત્પાદનોની માંગણી સાથે સાથે ટ્રાન્સજેન્ડર આરોગ્ય સેવાઓમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. ડો. ક્રિસ્ટલ બીલ, ક્વીરડોકના સ્થાપક, જે હોર્મોન થેરાપી સેવાઓ પ્રદાન કરે છે, તેમણે જણાવ્યું હતું કે, તેને ટ્રાન્સજેન્ડર સમુદાયના ઘણા દર્દીઓ તરફથી E-Mail પ્રાપ્ત થયા છે, જેઓ આગામી ટ્રમ્પ વહીવટમાં તેમની આવશ્યક દવાઓના પુરવઠા અંગે ચિંતિત હતા. તેમણે કહ્યું, ‘હું લોકોને કહું છું કે, હું ભવિષ્યની આગાહી કરી શકતી નથી, ન તો હું આ બાબતે કાયદાકીય સલાહ આપી શકું છું, પરંતુ અમે ટ્રાન્સજેન્ડર સમુદાય તરીકે હંમેશા અહીં છીએ અને હંમેશા રહીશું.’
અન્ય ટેલિહેલ્થ સેવા પ્રદાતાઓએ પણ આ જ પ્રકારની વૃદ્ધિ થઇ હોવાનું નોંધાવ્યું છે. હે જેન, જે ગર્ભનિરોધક પ્રદાન કરે છે, તેના ઉત્પાદનોની માંગમાં બમણી વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે Winxએ એક દિવસમાં પ્લાન B કટોકટી ગર્ભનિરોધકના વેચાણમાં છ ગણો વધારો અનુભવ્યો હતો. Winxના સહ-સ્થાપક સિન્થિયા પ્લોચે કહ્યું, ‘મહિલાઓ સમજદાર છે, અમે જે આવવાનું છે તેને જોઈ રહ્યા છીએ, અને પોતાની જાતને સુરક્ષિત રાખીએ છીએ.’
ગર્ભપાત અંગે ટ્રમ્પના ભૂતકાળના નિવેદનોને જોતાં, ઘણાને ડર છે કે ભવિષ્યમાં, ગર્ભપાતની ગોળીઓના પ્રિસ્ક્રિપ્શન અને વિતરણ પ્રક્રિયા પર કડક નિયંત્રણો લાદવામાં આવી શકે છે. ટ્રમ્પની સુપ્રીમ કોર્ટની નિમણૂકોએ Roe V. વેડના નિર્ણયને પલટાવવા માટે દરવાજો ખોલવામાં આવ્યો હતો અને હવે આગામી દિવસોમાં ગર્ભપાતની ગોળીઓના સપ્લાય પર કડક નિયંત્રણો લાદવામાં આવી શકે છે તેવી દહેશત મહિલાઓ સેવી રહી છે.