ઉત્તર પ્રદેશમાં આવેલા પ્રતાપગઢમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવક પોતાના જ લગ્નમાં દારૂ પીને કન્યાના ઘરે જાન લઈને ગયો હતો. આ વાતની જાણ દુલ્હનને થતાં જ તેણે લગ્ન કરવાની ના પાડી દીધી. મોડી રાત સુધી કન્યાને મનાવવાનું ચાલુ રહ્યું હતું, છેવટે પોલીસ બોલાવવામાં આવી હતી, તો પણ કન્યા લગ્ન કરવા રાજી ન થઈ. કન્યા પક્ષે વરરાજા અને તેના પિતાને બંધક બનાવી લીધા હતા. કન્યા પક્ષ પર આરોપ છે કે, તેઓની સાથે મારપીટ અને ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો. અંતે વરરાજાએ જાનૈયાઓ ને લઈને કન્યા વગર ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. આ ઉપરાંત, લગ્ન/જાન આવવા પર કરેલા ખર્ચ સહીતના પૈસા પણ કન્યાના પરિવારને પરત કરવા પડ્યા હતા.
હકીકતમાં, પ્રતાપગઢના કંધઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતા સંજયે તેની પુત્રીના લગ્ન કરણપુર ખુજી ગામના રહેવાસી તોતારામ ઉર્ફે અનીસ કુમાર સાથે નક્કી કર્યા હતા. સોમવારે સાંજે લગ્નની જાન ગામમાં પહોંચતા જ કન્યા પક્ષવાળાઓને ખબર પડી કે, વરરાજા અને તેના પિતાએ ખુબ જ નશો કર્યો છે અને હંગામો મચાવી રહ્યા છે.
આ બાબતને લઈને છોકરી પક્ષના અને છોકરા પક્ષના બંને સામસામે થઇ ગયા હતા. ઉગ્ર બોલાચાલી થયા પછી મામલો એટલો વધી ગયો કે, કન્યાએ લગ્ન કરવાની જ ના પાડી દીધી. પિતાએ પણ દીકરીને સાથ આપ્યો. આવી સ્થિતિમાં લગ્નની તમામ વ્યવસ્થાઓને અટકાવી દેવામાં આવી હતી. લગ્નમાં આવેલા જાનૈયાઓ નિરાશ થઈને પાછા ફરવા લાગ્યા.
બીજા દિવસે (મંગળવારે) યુવતી પક્ષ દ્વારા લગ્નમાં ખર્ચ કરેલા પૈસા પાછા આપવાની માંગણી કરવામાં આવી હતી. જેના પર છોકરા પક્ષ ગુસ્સે થઈ ગયો. આ બાબતે વિવાદ વધી જતાં વરરાજા અને તેના પિતાને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. ત્યાર પછી આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવા પ્રયાસ કર્યો હતો. આખો દિવસ ચાલેલી પંચાયત અને પોલીસની દરમિયાનગીરી પછી વરરાજા અને તેના પિતા પાસેથી 95 હજાર રૂપિયા લઈને મંગળવારે મોડી સાંજે તેમને છોડવામાં આવ્યા હતા.
મીડિયા સાથે વાત કરતા વરરાજા તોતારામ ઉર્ફે અનીસએ કહ્યું, બસ થોડુંક જ પીધું હતું, તેના કારણે આખો મામલો ગંભીર બની ગયો. હવે કોઈ સમસ્યા નથી, આખો મામલો ફાઈનલ થઈ ગયો છે. છોકરીવાળાઓને પૈસા આપવા જઈ રહ્યા છીએ. મારુ લગ્ન તૂટી ગયું છે.
આ સમગ્ર મામલામાં સ્થાનિક પોલીસ સ્ટેશનના CO આનંદ કુમારનું કહેવું છે કે, વરરાજાએ વધુ પડતો દારૂ પીધો હતો ત્યાર પછી કન્યાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી, ત્યારપછી છોકરીના પરિવારે વરરાજા અને તેના પિતાને બંધક બનાવી લીધા હતા. આની બાતમી મળતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને સમાધાન કરાવ્યું હતું. બંને પક્ષો વચ્ચે પંચાયત થયા પછી લગ્નમાં કરવામાં આવેલ ખર્ચ અને ભેટ પાછી આપવા પર સહમતિ થઇ હતી. હાલમાં વરરાજા અને તેના પિતા પોતાના ઘરે જવા નીકળી ગયા છે.