બિહારના મુઝફ્ફરપુરમાં કેન્દ્રીય જલ શક્તિ મંત્રી રાજભૂષણ ચૌધરી બાર એસોસિએશનમાં સીલિંગ ફેનનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. તેમણે સ્વિચ ચાલુ કરીને પંખો ચાલુ કર્યો. સીલિંગ ફેનનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય મંત્રીનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી રાજભૂષણ ચૌધરી મુઝફ્ફરપુરથી જ BJPના સાંસદ છે. તેઓ ગત 12 નવેમ્બરે પોતાના સંસદીય મતવિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જિલ્લા બાર એસોસિએશનને આપવામાં આવેલા 400 પંખા અને ડાયરીઓનું ઉદ્ઘાટન કર્યું હતું. પાંખનું ઉદ્ઘાટન કરતો તેમનો ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ દરમિયાન, તેમણે બાર એસોસિએશનના અધિકારીઓ સાથે મિટિંગ પણ કરી હતી, જેની અધ્યક્ષતા બાર એસોસિએશનના પ્રમુખ અખિલેશ્વર પ્રસાદ સિંહ અને તેનું સંચાલન એડવોકેટ ધર્મેન્દ્ર પ્રસાદ સાહુએ કર્યું હતું. સ્ટેટ બાર કાઉન્સિલના સભ્ય સચ્ચિદાનંદ સિંહે જણાવ્યું હતું કે, આ પ્રકારના સહકારથી એસોસિએશન વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. પૂર્વ ઉપપ્રમુખ ડો.સંગીતા શાહીએ જણાવ્યું હતું કે, આવો સહકાર સરાહનીય છે. મહામંત્રી રવિ પ્રતાપે જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીના સહકારથી સોલાર પ્લાન્ટ, વોટર પ્લાન્ટ, બિલ્ડિંગ અને E-લાઈબ્રેરી પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં BJPના જિલ્લા પ્રમુખ રંજન સિંહ પણ હાજર રહ્યા હતા. મંત્રી રાજભૂષણ ચૌધરીએ કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય મુઝફ્ફરપુરને એક આદર્શ જિલ્લો બનાવવાનો છે, જ્યાં વિકાસ કાર્યોની કોઈ કમી નથી. તેમનું માનવું છે કે, નાની-નાની ક્રિયાઓ પણ ખુબ મહત્વની છે અને આ રીતે પંખાનું આ ઉદ્ઘાટન પણ એ દિશામાં એક પગલું છે.
પાછલા દિવસોમાં કેરળના ઉદ્યોગ મંત્રી P. રાજીવે કોચીમાં એક રસ્તાના U-ટર્નનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં ખાસ વાત એ હતી કે, મંત્રીએ પરંપરાગત રિબનને બદલે ગાંઠવાળી ટેપ કાપીને U-ટર્નનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. આ પ્રકારના ઉદ્ઘાટન માટે મંત્રીની ઘણી ટીકા થઈ હતી.
BJP યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ અને રાજ્યના ધારાસભ્ય અનુપ એન્ટોની જોસેફે તેનો વીડિયો શેર કરીને ડાબેરી સરકાર પર કટાક્ષ કર્યો હતો. તેમની આ પોસ્ટ પર યુઝર્સે મંત્રી P. રાજીવની મજાક ઉડાવી હતી. તેમણે કહ્યું કે, મંત્રી નાનામાં નાના કામોનું પણ ઉદ્ઘાટન કરીને પોતાની જાતને હાસ્યાસ્પદ બનાવે છે.
બિહારમાં પણ આ જ પ્રકારનો ઉદ્ઘાટન સમારોહ રાજકીય હલચલનું કારણ બની ગયો છે. કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, કેન્દ્રીય મંત્રીનું આ પગલું સૂચવે છે કે, તેઓ જનતાને એ બતાવવા માંગે છે કે, તેઓ તેમના પોતાના મત વિસ્તારના વિકાસ કાર્યો પર ધ્યાન આપી રહ્યા છે, પછી ભલે તે નાનું કામ પણ કેમ ન હોય. જો કે, ટીકાકારો કહે છે કે, આવા નાના ઉદ્ઘાટન સમારોહ કરતાં મોટા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે.
કેન્દ્રીય મંત્રી રાજભૂષણ ચૌધરી દ્વારા થયેલું આ પંખાનું ઉદ્ઘાટન ભલે સામાન્ય ઘટના જેવું લાગી રહ્યું હોય, પરંતુ આ મુદ્દો રાજકારણ અને સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. કેટલાક લોકો તેને વિકાસ તરફનું પગલું માને છે, તો કેટલાક તેને રાજકીય દેખાડો અને નાના નાના કામોનું ઉદ્ઘાટન માનીને ટીકા કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે, આ પ્રકારના આવા નાનકડા ઉદ્ઘાટન સમારોહની જનતા પર શું અસર પડે છે અને કેન્દ્રીય મંત્રીની છબી પર તેની શું અસર પડે છે.