

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે, અમેરિકાએ એક મોટું કડક પગલું ભર્યું છે અને ઈરાની પેટ્રોલિયમ ઉત્પાદનો ખરીદવા અને વેચવા બદલ છ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે. આ જાહેરાત US સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આ કંપનીઓ ઈરા
ન સામે લાદવામાં આવેલા US પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહી હતી.
US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનોના ‘મહત્વપૂર્ણ’ વેચાણ અને ખરીદી માટે છ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે.

US સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું, ‘ઈરાની સરકાર તેની અસ્થિર પ્રવૃત્તિઓ માટે ભંડોળ એકત્ર કરવા માટે પશ્ચિમ એશિયામાં સંઘર્ષને પ્રોત્સાહન આપી રહી છે. આજે, US આવા આવકના પ્રવાહને રોકવા માટે પગલાં લઈ રહ્યું છે, જેનો ઉપયોગ આ સરકાર વિદેશમાં આતંકવાદને ટેકો આપવા અને પોતાના લોકોને દબાવવા માટે કરે છે.’
તેણે ઈરાની પેટ્રોલિયમ, પેટ્રોલિયમ ઉત્પાદનો અથવા પેટ્રોકેમિકલ વેપારમાં સામેલ 20 વૈશ્વિક સંસ્થાઓ પર પ્રતિબંધોની જાહેરાત કરી. સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, ભારત, સંયુક્ત આરબ અમીરાત, તુર્કી અને ઇન્ડોનેશિયાની ઘણી કંપનીઓ પર ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનોના નોંધપાત્ર વેચાણ અને ખરીદી માટે પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.

ડિપાર્ટમેન્ટે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘જેમ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલાથી જ કહ્યું છે કે, કોઈપણ દેશ કે વ્યક્તિ જે ઈરાની તેલ કે પેટ્રોકેમિકલ ઉત્પાદનો ખરીદશે તેને US પ્રતિબંધોના નુકસાનનો સામનો કરવો પડશે અને તે US સાથે વ્યવસાય કરી શકશે નહીં.’
ઈરાનના પેટ્રોકેમિકલ વેપારને નિશાન બનાવતા, USએ ઘણા દેશોની 13 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધિત ભારતીય કંપનીઓના નામ નીચે મુજબ છે.
કંચન પોલિમર્સ, અલકેમિકલ સોલ્યુશન્સ, રમણીકલાલ S ગોસાલિયા એન્ડ કંપની, જ્યુપિટર ડાય કેમ પ્રાઇવેટ લિમિટેડ, ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ, પર્સિસ્ટન્ટ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ.

આ ત્રણ કંપનીઓએ જાન્યુઆરી 2024 અને જાન્યુઆરી 2025 વચ્ચે ઈરાની મૂળના પેટ્રોકેમિકલ ઉત્પાદનો ખરીદ્યા હતા. આ ઉપરાંત, US ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે 50થી વધુ વ્યક્તિઓ અને સંસ્થાઓને નિયુક્ત કર્યા છે અને 50થી વધુ જહાજોની ઓળખ કરી છે, જે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીના ટોચના રાજકીય સલાહકાર અલી શામખાનીના પુત્ર મોહમ્મદ હુસૈન શામખાની દ્વારા નિયંત્રિત વિશાળ શિપિંગ સામ્રાજ્યનો ભાગ છે. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે તેને ‘2018 પછી ઈરાન સંબંધિત સૌથી મોટી કાર્યવાહી’ તરીકે વર્ણવ્યું છે.

ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના નિવેદનમાં UAE સ્થિત ભારતીય નાગરિક પંકજ નાગજીભાઈ પટેલનું પણ પ્રતિબંધોની યાદીમાં નામ છે, જેમણે હુસૈનના નેટવર્કમાં ઘણી શિપિંગ કંપનીઓમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું છે.

