fbpx

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ પર ધનવર્ષા, જાણો કોણે 51 કરોડ રૂપિયા આપવાની કરી જાહેરાત

Spread the love

વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ પર ધનવર્ષા, જાણો કોણે 51 કરોડ રૂપિયા આપવાની કરી જાહેરાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 2025 ODI વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. 2 નવેમ્બરેના રોજ નવી મુંબઈમાં ડી.વાય. પાટીલ સ્પોર્ટ્સ એકેડેમીમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે, દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમને 52 રનથી હરાવી દીધી. ભારતીય મહિલા ટીમે પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમનું ટાઇટલ જીતવાના સપના પર પાણી ફરી ગયું.

ભારતીય ટીમની જીત બાદ ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ખેલાડીઓ અને ટીમના સપોર્ટ સ્ટાફ માટે એક મોટી જાહેરાત કરી છે. BCCI ભારતીય ટીમને 51 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપશે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ વાતની પુષ્ટિ કરી છે. આ પહેલી વાર છે જ્યારે ભારતીય મહિલા ટીમને આટલી ઈનામી રકમ મળવા જઈ રહી છે.

દેવજીત સૈકિયાએ સમાચાર એજન્સી ANIને સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘1983માં કપિલ દેવે ભારતને વર્લ્ડ કપ જીતાડીને ભારતીય ક્રિકેટને નવી ઉર્જા અને પ્રેરણા આપી હતી. હવે, હરમનપ્રીત કૌર અને તેની ટીમે તે જ જોશ અને ઉત્સાહ ફરીથી જગાડ્યો છે. તેમણે માત્ર ટ્રોફી જ જીતી નથી, પરંતુ આખા દેશનું દિલ પણ જીતી લીધું છે.

દેવજીત સૈકિયાએ કહ્યું કે, આ જીત ભારતમાં મહિલા ક્રિકેટના ભવિષ્યને નવી દિશા આપશે અને આગામી પેઢીના ખેલાડીઓને પ્રેરણા આપશે. તેમણે ICCના અધ્યક્ષ અને BCCIના પૂર્વ સચિવ જય શાહનો મહિલા ખેલાડીઓ માટે જરૂરી પગલાં લેવા બદલ આભાર માન્યો. તેમણે કહ્યું કે, ‘જય શાહના નેતૃત્વમાં મહિલા ક્રિકેટમાં મોટા બદલાવો થયા છે. પગાર સમાનતા પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. તાજેતરમાં, મહિલા વર્લ્ડ કપ માટે ઈનામી રકમ 300 ટકા વધારીને 2.88 મિલિયન ડોલરથી વધારીને લગભગ 14 મિલિયન ડોલર કરવામાં આવી છે. આ પગલાંથી મહિલા ક્રિકેટને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. BCCIએ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ માટે 51 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે.

ICC તરફથી પણ ભારતીય ટીમને ટ્રોફી જીતવા બદલ 4.48 મિલિયન ડોળાર (લગભગ 40 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ પણ મળી, જે ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઈનામી રકમ છે. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 માટે, ICCએ 13.88 મિલિયન ડોલર (લગભગ 123 કરોડ રૂપિયા)ની ઇનામી રકમનું વિતરણ કર્યું, જે 2022 આવૃત્તિ કરતા લગભગ 3 ગણી વધારે છે.

error: Content is protected !!