
દિવાળી અગાઉ જ ગુજરાતના રાજકારણમાં મોટી ઉથાપલાથલ જોવા મળી હતી. ભુપેન્દ્ર પટેલની કેબિનેટમાં મોટાપાયે બદલાવ કરવામાં આવ્યો હતો હતો. મંત્રી મંડળના તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવાયા હતા અને ત્યારબાદ કેટલાક મંત્રીઓને રિપીટ કરીને નવું કેબિનેટ બનાવાયું હતું. તો હવે એવા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતનાં પ્રશાસન અને પોલીસ તંત્રમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે.
કેબિનેટના મંત્રીની માગણી પ્રમાણેના અધિકારીઓ મળવા મુશ્કેલ બની રહ્યા છે, પરંતુ ગુણદોષ અને કામના અનુભવને જોતા વિભાગોના સેક્રેટરીઓના હાલના પોર્ટફોલિયોમાં મોટાપાયે બદલીઓની સંભાવના દેખાઈ રહી છે. ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપરાંત નવા આવેલા મંત્રીઓના વિભાગોમાં પરિવર્તન થઈ શકે છે. આગામી વર્ષે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે, ત્યારે જિલ્લા પ્રશાસન અને પોલીસ વિભાગમાં બદલાવ થઈ છે. ગૃહ વિભાગના કેટલાક અધિકારીઓ પાસે ડબલ ચાર્જ છે, સીનિયર અધિકારીઓને 3 કે તેથી વધુ વર્ષ થઇ ચૂક્યાં હોય તેમની બદલી થઈ શકે છે.

ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં 12 એવા ચહેરા છે કે જેઓ પ્રથમવાર ધારાસભ્ય બન્યા છે અને પહેલી જ ટર્મમાં મંત્રીપદ મળ્યું છે એટલે તેઓ તેમના વિભાગના અધિકારીઓ સાથે સંકલન બનાવી રહ્યા છે. ગુજરાતના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 5 પ્રિન્સિપલ સેક્રેટરીને ટૂંકસમયમાં એડિશનલ ચીફ સેક્રેટરી (ACS)ના પ્રમોશન થઈ શકે છે. સીનિયર અધિકારીઓની નિવૃત્તિ અને નોકરીનો સમયગાળો જોઈને રાજ્ય સરકાર આ પ્રમોશન આપતી હોય છે.
આ વખતે 1996ની બેચના મોના ખંધાર, ડૉ. ટી. નટરાજન, રાજીવ ટોપનો, મમતા વર્મા અને મુકેશકુમારને પ્રમોશન મળી શકે છે. જો કે મોના ખંધારનું સેન્ટ્રલ ડેપ્યુટેશન પણ પેન્ડિંગ છે. vtvgujarati.com રિપોર્ટ મુજબ 2026ની શરૂઆતમાં આ અધિકારીઓને પ્રમોશન મળી શકે છે. છેલ્લે જુલાઇ 2025માં નિવૃત્ત થયેલા ACS કક્ષાના અધિકારીઓમાં જેપી ગુપ્તા અને કમલ દાયાણી બાદ હવે નવેમ્બરમાં 1989 બેચના સુનયના તોમર અને ડિસેમ્બરમાં 1991ની બેચના એસ.જે. હૈદર નિવૃત્ત થઇ રહ્યા છે, જેથી પદો પર વધુ જગ્યાઓ ખાલી પડી રહી છે. ACSની જેમ 2001ની બેચના અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરીના પ્રમોશન આપવામાં આવે તેવી શક્યતા છે. એટલે કે આગામી 1-2 મહિનામાં રાજ્યના વહીવટી તંત્રમાં મોટા ફેરફારો શક્યતા છે.
ગુજરાતમાં અધિકારીઓના ડેપ્યુટેશનની વાત સામાન્ય છે, પરંતુ રાજ્યમાં અધિકારીઓની ઘટ જોતા ખૂબ ઓછા અધિકારીઓને દિલ્હી દરબારમાં મોકલવાની શક્યતા છે. કેન્દ્રમાં ડેપ્યુટેશન ધરાવતા બે અધિકારી- ઇનસ્પેસ, અમદાવાદમાં જોઇન્ટ સેક્રેટરી લોચન સેહરા અને કેન્દ્રના ડિફેન્સ મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ડો. અજયકુમાર તો પાછા આવી રહ્યાં છે, તો એલ.એ. જયપ્રકાશ શિવહરેનું પણ ડેપ્યુટેશન નક્કી છે. આ ઉપરાંત શાહમીના હુસેનનો માર્ગ સરળ થઈ રહ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠાના પ્રિન્સિપલ સેક્રેટરી મોના ખંધાર ડેપ્યુટેશન પર નવી દિલ્હી જઇ શકે છે. આ અગાઉ પણ તેઓ ડેપ્યુટેશન પર જઇ આવ્યા છે. આ સાથે એવું ચર્ચાઇ રહ્યું છે કે કેન્દ્રમાં ડેપ્યુટેશન માટે ગયેલા અજય ભાદુ અને સંધ્યા ભુલ્લર પણ પાછા આવે તેવી શક્યતાને નકારી શકાય નહીં!

