પાકિસ્તાનમાં આર્યન લેડીના નામથી જાણીતી મુનિબા મઝારીનો એક ક્વોટ છે કે, જ્યારે ભગવાન તમારા માટે એક દરવાજો બંધ કરે છે તો બીજો દરવાજો ખોલી આપે છે.ભગવાન જ્યારે તમને મુશ્કેલી આપે તો તમરા માટે બીજો પ્લાન રેડી રાખે છે. આ વાત એટલા માટે યાદ કરી કે ગુરુગ્રામમાં એક યુવાનની આજે ચોકલેટની ફેકટરી છે, પરંતુ તેણે ભારે મુશ્કેલીનો સામનો કર્યો
અર્ચિત અગ્રવાલની આ સ્ટોરી અનેક લોકોને પ્રેરણા આપે તેવી છે. બાળપણમાં તે જ્યારે શાળામાં ભણતો હતો ત્યારે હકલાતો હતો જેને કારણે તેના મિત્રો તેને ચિઢવતા હતા અને તેની સાથે ભેદભાવ રાખતા હતા. અર્ચિત જ્યારે 12મા ધોરણમાં ભણતો હતો ત્યારે બાઇક પર અકસ્માત થયો હતો અને તેની યાદદાસ્ત ચાલી ગઇ હતી.
પિતાનો સ્ટીલ મેન્યુફેકચરીંગનો ફેમિલી બિઝનેસ હતો. જ્યારે અકસ્માત થયો હતો ત્યારે સારવાર કરી રહેલા ડોકટરે અર્ચિતને ક્રિએટીવ કામ કરવાની સલાહ આપી હતી. તેણે દિલ્હીની ફેશન ઇન્સ્ટીટયૂટમાં પ્રવેશ લીધો અને કાપડને પેઇન્ટીંગ કરવાનું પણ કામ કર્યું હતું. તેણે ઘણા ક્રિએટીવ કામ કરવાનું વિચાર્યું. અર્ચિતને ચોકલેટ બહુ ભાવે છે. તેણે ચોકલેટનો બિઝનેસ કરવાનું વિચાર્યું અને ઘરે જ નાના પાયે ધંધો ચાલું કર્યો. આ વાતથી પિતા ગુસ્સે ભરાયા હતા, કારણકે તેમનું માનવું હતું કે અર્ચિત તેમનો સ્ટીલનો બિઝનેસ સંભાળી લે. અર્ચિતે કેરળથી કોકો મંગાવ્યો અને તેમાં મીઠું નાંખીને પ્રયોગ કર્યો જે સફળ રહ્યો તેણે નમકીન ચોકટેલ બનાવી.
અર્ચિતે 50,000 રૂપિયાથી ધંધાની શરૂઆત કરી જેમાં તેની માતા અને ભાઇએ મદદ કરી. આજે અર્ચિત અગ્રવાલની ગુરુગ્રામમાં ફેકટરી આવેલી છે અને વર્ષે દિવસે 30 લાખનો બિઝનેસ કરે છે. આ વર્ષમાં 50 લાખનો ધંધો થવાની અર્ચિતને અપેક્ષા છે.