બુધવારે સુપ્રીમ કોર્ટમાં બુલડોઝરની કાર્યવાહી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કડક ટિપ્પણીઓ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા બહાર પાડતા કહ્યું કે, કોઈનું ઘર તોડવું એ કાયદાનું ઉલ્લંઘન છે. કોઈ કેસમાં આરોપી કે દોષી સાબિત થાય તો પણ ઘર તોડવું યોગ્ય નથી. કોર્ટના મતે કાયદાકીય પ્રક્રિયા વિના બુલડોઝર ચલાવવું ગેરબંધારણીય છે.
જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ KV વિશ્વનાથનની બેન્ચે 13 નવેમ્બરે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે, કોઈનું ઘર માત્ર એટલા માટે તોડી ન શકાય, કારણ કે તે આરોપી છે. કોર્ટે કહ્યું કે, અધિકારીઓ કોર્ટની જેમ કામ કરી શકતા નથી અને વહીવટીતંત્ર ન્યાયાધીશ ન બની શકે. કોર્ટે કહ્યું કે, બુલડોઝરની કાર્યવાહી પક્ષપાતી ન હોઈ શકે. ખોટી રીતે મકાન તોડી પડનાર પીડિતોને વળતર મળવું જોઈએ. સાથે જ આ માટે જવાબદાર અધિકારીઓને પણ બક્ષવામાં નહી આવે. કોર્ટે એમ પણ કહ્યું કે, અમે તમામ પક્ષકારોને સાંભળ્યા પછી આ આદેશ આપ્યો છે.કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, આ મામલે મનસ્વી વલણ ન અપનાવવું જોઈએ. એક કેસમાં એક જ આરોપી હોય તો ઘર તોડીને આખા પરિવારને શા માટે સજા કરવી? આખા પરિવારથી તમે તેમનું ઘર છીનવી શકો નહીં.
અરજીકર્તાઓના વકીલ અનસે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. મીડિયા સૂત્ર સાથે વાત કરતા તેમણે કહ્યું, ‘આ એક ઐતિહાસિક નિર્ણય છે. જે બુલડોઝર ગેરકાયદેસર રીતે ચાલતા હતા અને કોઈના પણ ઘર તોડી પાડતા હતા, તે તમામ બાબતો હવે બંધ થશે. સુપ્રીમ કોર્ટે અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી સુનિશ્ચિત કરી છે. આ પોતાનામાં એક ઐતિહાસિક નિર્ણય છે. આ સાથે, ‘બુલડોઝર જસ્ટિસ’ હવે બંધ થઈ જશે.’સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી અંગેની માર્ગદર્શિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું છે કે, બુલડોઝરની કાર્યવાહી માટે ઓછામાં ઓછો 15 દિવસનો સમય આપવામાં આવે. આ માટે નોડલ ઓફિસરએ 15 દિવસ પહેલા નોટિસ મોકલવાની રહેશે. આ નોટિસ કાયદાકીય રીતે મોકલવી જોઈએ.
કોર્ટે એમ પણ કહ્યું કે, આ નોટિસ કન્સ્ટ્રક્શન સાઈટ પર પણ ચોંટાડવી જોઈએ અને આ નોટિસને ડિજિટલ પોર્ટલ પર મૂકવાની રહેશે. કોર્ટે ત્રણ મહિનામાં આ માટે પોર્ટલ બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે નિર્ણયમાં સ્પષ્ટ કહ્યું કે, દરેક જિલ્લાના DM તેમના અધિકાર ક્ષેત્રમાં નોડલ ઓફિસરની નિમણૂક કરશે. નોડલ ઓફિસર સુનિશ્ચિત કરશે કે સંબંધિત લોકોને યોગ્ય સમયે નોટિસ મળે અને આ નોટિસનો જવાબ પણ યોગ્ય સમયે મળી જાય.
આ પહેલા 2 સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો કોઈ દોષિત હોય તો પણ કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વિના આ કરી શકાય નહીં. જ્યારે 12 સપ્ટેમ્બરે પણ એવું કહેવામાં આવ્યું હતું કે, બુલડોઝરની કાર્યવાહી દેશના કાયદા પર બુલડોઝર ચલાવવા સમાન છે. 17 સપ્ટેમ્બરે કોર્ટે આદેશ આપ્યો હતો કે, આગામી સુનાવણી સુધી દેશમાં એક પણ બુલડોઝરની કાર્યવાહી કરવામાં ન આવે.