fbpx

કોરોના પછી કાવાસાકી બગની બ્રિટનમાં એન્ટ્રી, ડોક્ટરોએ બહાર ન નીકળવા કહ્યું

Spread the love

બ્રિટનમાં એક નવા જ પ્રકારનો નોરોવાયરસ ચેપ ‘કાવાસાકી બગ’ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાની ડોક્ટરોએ ચેતવણી આપી છે. આ નવા વાયરસને કારણે ગત વર્ષની સરખામણીમાં ઉલ્ટી અને ઝાડાનાં કેસમાં બમણો વધારો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, કોરોના પછી આ વાયરસ હવે એક નવો પડકાર બનીને બહાર આવ્યો છે, જેને લઈને બ્રિટિશ ડોક્ટરોએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે.

AXA હેલ્થના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. જ્હોન બર્કે નોરોવાયરસના આ નવા સ્ટ્રેન વિશે માહિતી આપી હતી અને તેનાથી બચવાની રીતો પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, નોરોવાયરસ એ અત્યંત ચેપી વાયરસ છે, જે એક બીજાના સંપર્કમાં આવવાથી ફેલાય છે અને ચેપગ્રસ્ત વ્યક્તિમાં ઉલ્ટી અને ઝાડા જેવા લક્ષણો પેદા કરી શકે છે. શિયાળા દરમિયાન તેને ‘વિન્ટર વોમિટિંગ બગ’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આ સમય દરમિયાન મોટાભાગના લોકો ઘરની અંદર જ રહે છે અને તેના કારણે આ વાયરસનો ફેલાવો ઝડપથી થાય છે.

કાવાસાકી બગના છ મુખ્ય લક્ષણો: ઉબકા, ઉલ્ટી, ઝાડા, ખૂબ તાવ, માથાનો દુખાવો, થાક.

નોરોવાયરસના લક્ષણોને સામાન્ય રીતે ઘરે જ નિયંત્રિત કરી શકાય છે અને થોડા દિવસોમાં તેની જાતે જ ઠીક થઇ જાય છે. ડૉક્ટર બર્કનું કહેવું છે કે, ઉલ્ટી અને ઝાડા થવાને કારણે શરીરમાં પાણીની અછત થઇ જાય છે, જેનાથી ડિહાઈડ્રેશન થવાનો ખતરો વધી જાય છે. તેથી, આ સમયગાળા દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું સેવન કરવું મહત્વપૂર્ણ છે.

ડૉ. બર્કે સલાહ આપી હતી કે, જ્યારે તમે નોરોવાયરસથી પીડિત હોવ ત્યારે તમારે હળવો અને સરળતાથી પચવા માટેનો ખોરાક જેમ કે ટોસ્ટ અને જલદી પાચન થઇ જાય તેવા ખોરાક ખાવા જોઈએ. વધુમાં, આ સંક્રમણ દરમિયાન આરામ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે, જેથી શરીરને સંપૂર્ણ સ્વસ્થ થવાનો સમય મળી શકે. ઓછામાં ઓછા 48 કલાક ઘરે રહો અને સંપૂર્ણ સ્વસ્થ થયા પછી જ બહાર જાઓ. બ્રિટીશ ડોકટરોએ લોકોને સાવચેત રહેવા અને વાયરસના ફેલાવાને રોકવા માટે વધારે પડતી અવર જવર થતી હોય તે સ્થળોએ જવાનું ટાળવા વિનંતી કરી છે.

નોધ: તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો કૃપા કરીને તેને અપનાવતા પહેલા તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ અવશ્ય લો.

Leave a Reply

error: Content is protected !!