અમદાવાદના SG હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યું છે અને મીડિયામાં અત્યારે ભારે હોબાળો મચેલો છે. સરકાર હવે એક્શનમાં આવી છે અને કડક પગલાં લેવાની વાત કરી રહી છે.
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા 10 નવેમ્બરે કડીના બોરીસણ ગામમાં એક મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં 100 લોકોએ ભાગ લીધો હતો. 21 લોકોનં સ્કેનિંગ કરીને તેમને 11 નવેમ્બરે અમદાવાદ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા. આ લોકોના પહેલેથી આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડની વિગત લઇ લેવામાં આવી હતી.
એ પછી તેમની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી. પરિવારોને જાણ પણ નહોતી કરવામાં આવી.21માંથી 2 લોકોના મોત થયા અને પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરી ત્યારે આખા કૌભાંડની ખબર પડી.
હોસ્પિટલનો સ્ટાફ કેટલાંક લોકોને શોધી લાવતો અને પછી એન્જીયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી દેતો અને આયુષ્માન ભારત યોજનાના પૈસા ગજવે ઘાલી દેતા હતા. છેલ્લાં 6 મહિનામાં 600 ઓપરેશનો આ રીતે કરવામાં આવ્યા.
ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે કહ્યું છે કે, ડોકટર્સ અને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલો બેસે એવી કડક કાર્યવાહી કરીશું.