

નવી કાર અને બાઇક ખરીદનારાઓને મોટી રાહત મળવાની શક્યતા છે. આ વખતે સ્વતંત્રતા દિવસના અવસર પર, PM નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી નવા GST સુધારાની જાહેરાત કરી, તેમણે કહ્યું કે, નવા GST સુધારા દિવાળી પર લાગુ કરવામાં આવશે. આ દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે, કેન્દ્ર સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમમાં મોટો ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેનો ઉદ્દેશ્ય GSTમાં સુધારો કરીને કર પ્રણાલીને સરળ બનાવવાનો છે. આ ફેરફારથી કાર ખરીદવા માંગતા લોકોને, ખાસ કરીને નાની કારને રાહત મળવાની શક્યતા છે.
IEના એક અહેવાલ મુજબ, સરકાર નાની અને મોટી કાર માટેના કર દરમાં તફાવત કરવાનું વિચારી રહી છે. અહેવાલમાં સૂત્રોનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, નાની કાર, જેમાં હાલ 28 ટકા GST અને 1-3 ટકા સેસ દર લાગુ પડે છે, તે નવા ફેરફાર પછી 18 ટકા ટેક્સ સ્લેબ હેઠળ આવી શકે છે. આ ઉપરાંત, 28 ટકા ટેક્સ સ્લેબ દૂર કર્યા પછી, મોટી લક્ઝરી કાર અને SUVને 40 ટકાની ખાસ ટેક્સ શ્રેણીમાં ટ્રાન્સફર કરી શકાય છે.

અહેવાલમાં એક સરકારી સૂત્રનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, ‘નાની કાર લક્ઝરી વસ્તુઓ નથી, ફક્ત 5-7 વસ્તુઓને 40 ટકા સ્લેબમાં રાખવાની યોજના છે.’
હાલમાં, એન્ટ્રી લેવલ હેચબેક, નાની સેડાન અને મીની-SUV સહિતની નાની કાર પર 28 ટકા GST વસૂલવામાં આવે છે, સાથે સાથે 1 ટકા (પેટ્રોલ) અને 3 ટકા (ડીઝલ) સેસ પણ વસૂલવામાં આવે છે. 1200 cc (1.2 લિટર) સુધીની એન્જિન ક્ષમતા અને 4 મીટરથી ઓછી લંબાઈ ધરાવતી નાની કાર પર 28 ટકાનો ભારે ટેક્સ સામાન્ય ગ્રાહકો માટે તેને વધુ મોંઘો બનાવે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, સરકાર મધ્યમ કદની કાર પર પણ ટેક્સ ઘટાડી શકે છે. હાલમાં, 1.2 લિટર અથવા 1.5 લિટરથી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી મધ્યમ સેગમેન્ટની કાર 28 ટકા GST સ્લેબમાં આવે છે. તેમના પર 15 ટકાનો વધારાનો સેસ પણ વસૂલવામાં આવે છે. ત્યારપછી કુલ ટેક્સનો આંકડો 43 ટકા થઈ જાય છે. હવે તેમને 40 ટકા સ્લેબમાં લાવવાની શક્યતા છે, જો આવું થાય તો આ કારોને પણ ટેક્સ દરમાં 3 ટકા સુધીની રાહત મળશે.

જો આ GST સુધારો લાગુ કરવામાં આવે છે તો, 1.0 લિટર અને 1.2 લિટર એન્જિન સાથે આવતી Maruti Alto K10, WagonR, Swift, Baleno, Dzire, Tata Tiago, Tigor, Punch, Hyundaiની i10, i20 અને Xtor જેવી કાર સસ્તી થશે. આ ઉપરાંત, Renault Kwid, Triber, Kiger, Skoda Kilak જેવી કારની કિંમત પણ ઘટી શકે છે. જ્યારે, Maruti Brezza, Tata Nexon, Kia Seltos, Sonnet, Hyundai Creta જેવી SUV કારની કિંમતમાં તફાવત આવશે, જે 1.5 લિટર એન્જિન સાથે આવે છે.
કાર ઉપરાંત, એન્ટ્રી લેવલ બાઇકના ટેક્સ સ્લેબમાં પણ ફેરફારની અપેક્ષા છે. રિપોર્ટ અનુસાર, હાલમાં 350 cc સુધીની બાઇક પર 28 ટકા GST વસૂલવામાં આવે છે, જેને ઘટાડીને 18 ટકા કરી શકાય છે. જ્યારે 350 ccથી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી બાઇક પર ઊંચા દર લાગુ કરી શકાય છે. અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં 350 ccથી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી બાઇક પર 28 ટકા GST દર સાથે 3 ટકા સેસ પણ વસૂલવામાં આવે છે, જેનાથી કુલ ટેક્સ 31 ટકા થઇ જાય છે.

અહીં તમને જણાવી દઈએ કે, ભારતમાં ટુ-વ્હીલર્સની સંખ્યા કાર કરતા વધુ છે અને મોટરસાઇકલ ખરીદનારાઓમાં એન્ટ્રી-લેવલ અથવા કોમ્યુટર સેગમેન્ટ ખરીદનારા સૌથી વધુ છે. આવી સ્થિતિમાં, જો સરકાર 350 cc સુધીની બાઇક પર GST ટેક્સમાં 10 ટકા સુધીની રાહત આપે છે, તો તે ખરીદનાર અને બજાર બંને માટે ખૂબ ફાયદાકારક રહેશે.
