

સુનિલ શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં આજના યુગમાં યુવાનો માટે લગ્નના બદલાતા અર્થ વિશે વાત કરી છે. સુનિલ શેટ્ટી પત્ની માના શેટ્ટી સાથે સુખી દામ્પત્ય જીવન જીવી રહ્યા છે અને તેમના બંને બાળકો પણ જીવનમાં સ્થાયી થઇ ગયા છે. સુનિલ શેટ્ટીએ કહ્યું કે, થોડા સમય પછી, લગ્નમાં ફક્ત પરસ્પર સમજણ અને સમાધાન જ મહત્વનું છે. તેમણે કહ્યું કે જો પતિ કારકિર્દી બનાવે તો મહિલાએ બાળકોની સંભાળ રાખવી જોઈએ.
સુનિલ શેટ્ટીએ મીડિયા સૂત્રો સાથેની વાતચીતમાં કહ્યું, ‘આજકાલ બાળકોમાં ધીરજ નથી. લગ્ન થોડા સમય પછી એક સમાધાન જેવું બની જાય છે, જ્યાં તમારે એકબીજાને સમજવાનું હોય છે, એકબીજા માટે જીવવાનું હોય છે.’

સુનિલ શેટ્ટીએ પછી કહ્યું, ‘પછી એક બાળક આવે છે, અને પત્ની માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે, જો પતિ કારકિર્દી બનાવે છે, તો બાળકની સંભાળ હું રાખીશ. હા, પતિ ચોક્કસપણે સાથે મળીને તેનું ધ્યાન રાખશે. પરંતુ આજકાલ દરેક બાબતમાં દબાણ ઘણું વધી ગયું છે.’

સુનીલ શેટ્ટીએ ફરી કહ્યું, ‘આજે દરેક વ્યક્તિ સલાહ આપવા માંગે છે. વર્ચ્યુઅલ દુનિયા તમને કહે છે કે, માતા કેવી રીતે બનવું, પિતા કેવી રીતે બનવું, શું ખાવું અને શું કરવું. મારું માનવું છે કે, અનુભવથી શીખવું વધુ સારું છે, તમારી દાદી, માતા, બહેનો અને સાસરિયાઓ પાસેથી… તેથી ફક્ત તે જ અપનાવો જે તમારા માટે ઉપયોગી છે અને બાકીનું છોડી દો. જોકે, ઘણું બદલાઈ ગયું છે. હવે લોકો લગ્ન પહેલાં જ છૂટાછેડા લઈ રહ્યા છે.’

સુનીલ શેટ્ટીના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેમણે 1991માં માના શેટ્ટી સાથે લગ્ન કર્યા. માનાનું સાચું નામ મોનિષા કાદરી હતું અને તે મુસ્લિમ હોવાથી, પરિવાર લગ્નની વિરુદ્ધ હતો. સુનીલ શેટ્ટીએ માના સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો, કારણ કે તેણે તેના મુશ્કેલ સમયમાં પણ અભિનેતાને છોડ્યો ન હતો.

સુનીલ શેટ્ટીએ કહ્યું કે ‘મારા માતાપિતાએ કહ્યું હતું કે લગ્ન શક્ય નથી. તેમનો ધર્મ અલગ છે. પરંતુ માનાએ ક્યારેય એવું વિચાર્યું ન હતું. તે હંમેશા કહેતી હતી કે હું જ્યાં સુધી તમે ઇચ્છો ત્યાં સુધી તમારી સાથે રહીશ.’ આગળ અભિનેતાએ કહ્યું, ‘જ્યારે મને મારી પહેલી ફિલ્મ મળી, તે જ ક્ષણે અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. મારી પહેલી રિલીઝ પહેલા જ મારા લગ્ન થઈ ગયા હતા. દુનિયા કહેતી હતી કે જો તમે લગ્ન કરશો તો તમારા ફેન ફોલોઈંગ ઘટશે. ઘણા લોકોએ મને નિરાશ કર્યો, છતાં મેં લગ્ન કર્યા.
