fbpx

BCCIએ ગંભીર ઈજા રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કર્યો, રિષભ પંતની ઇજા બની બદલાવનું કારણ, આ 2 નિયમો પણ બદલાયા

Spread the love
BCCIએ ગંભીર ઈજા રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કર્યો, રિષભ પંતની ઇજા બની બદલાવનું કારણ, આ 2 નિયમો પણ બદલાયા

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચ દરમિયાન જમણા પગમાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારે રિષભ પંત ક્રિસ વોક્સના બોલને રિવર્સ સ્વીપ કરવા માંગતો હતો, પરંતુ તે સંપૂર્ણપણે ચૂકી ગયો અને ઘાયલ થઈ ગયો. ઈજાને કારણે, રિષભ પંત તે મેચમાં વિકેટકીપિંગ કરી શક્યો નહીં. તેને ઓવલ ટેસ્ટ મેચમાંથી પણ બહાર રહેવું પડ્યું. રિષભ પંત હવે એશિયા કપ 2025માંથી પણ બહાર થઈ જશે.

ત્યારપછી ઓવલ ટેસ્ટ મેચ દરમિયાન, ઇંગ્લિશ ફાસ્ટ બોલર ક્રિસ વોક્સને પણ તેના ડાબા ખભામાં ઈજા થઈ હતી. પંત અને વોક્સની ઈજા પછી, ICCના વર્તમાન અવેજી નિયમો વિશે ઘણી ચર્ચા થઈ હતી. અહીં તમને જણાવી દઈએ કે, જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે, તો તેની જગ્યાએ આવનાર ખેલાડી બેટિંગ કે બોલિંગ માટે લાયક નથી હોતા.

કન્કશન સબસ્ટિટ્યુટ ફક્ત ત્યારે જ માન્ય છે, જ્યારે ખેલાડીઓને માથા કે આંખમાં ઈજા થાય છે. કન્કશન સબસ્ટિટ્યુટ બેટિંગ કે બોલિંગ કરવા માટે લાયક છે. રિષભ પંત અને ક્રિસ વોક્સને માથા કે આંખમાં ઈજા થઈ ન હતી, તેથી તેમના સ્થાને બેટિંગ કે બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરનું માનવું હતું કે, જો કોઈ ખેલાડી મેચ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થાય છે, તો તેના માટે અવેજી ખેલાડીનો વિકલ્પ હોવો જોઈએ.

BCCI-Replacement-Rule1

ગૌતમ ગંભીરે ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચ સમાપ્ત થયા પછી એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘જો ઈજા સ્પષ્ટ દેખાય અને ખેલાડી બિલકુલ ફિટ ન હોય, તો તેને અમ્પાયર અને મેચ રેફરીની મંજૂરીથી બદલવો જોઈએ. આ નિયમ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી મેચ 11 વિરુદ્ધ 11 રહે, 10 વિરુદ્ધ 11 નહીં.

જ્યારે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ ગૌતમ ગંભીર સાથે સહમત ન હતા. બેન સ્ટોક્સે માન્ચેસ્ટર ટેસ્ટ મેચ પછી કહ્યું હતું કે, ‘તમે 11 ખેલાડીઓ પસંદ કરો છો, ઈજા રમતનો એક ભાગ છે. જો આવું થાય, તો ટીમો ઘણી રીતે ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. કન્કશન રિપ્લેસમેન્ટ ઠીક છે, પરંતુ ઈજા રિપ્લેસમેન્ટ બિલકુલ ન થવું જોઈએ.’

રિષભ પંતની ઈજા પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આગામી સ્થાનિક સીઝન (2025-26) માટે રમવાની સ્થિતિમાં મોટા ફેરફારો કર્યા છે. હવે મલ્ટિ-ડે ક્રિકેટ (રણજી ટ્રોફી અને CK નાયડુ ટ્રોફી જેવી ટુર્નામેન્ટ) મેચોમાં, જો કોઈ ખેલાડી મેચ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થાય છે, તો તેની જગ્યાએ આવનાર ખેલાડી બેટિંગ અથવા બોલિંગ કરી શકશે. આ ગંભીર ઈજા રિપ્લેસમેન્ટ નિયમ કંઈક અંશે કન્કશન સબસ્ટિટ્યુટ નિયમ જેવો જ છે.

BCCI-Replacement-Rule

જો કોઈ ખેલાડીને રમત દરમિયાન ફ્રેક્ચર, ગંભીર ઇજા અથવા કોઈપણ બાહ્ય ઈજાને કારણે મેચ છોડી દેવી પડે છે, તો ટીમ મેનેજર BCCI મેચ રેફરી પાસેથી ગંભીર ઈજા રિપ્લેસમેન્ટ માટે પરવાનગી માંગી શકે છે. જો કે, નવો ખેલાડી like for like હોવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો કોઈ બોલર ઈજાગ્રસ્ત થાય છે, તો ફક્ત બોલર જ તેની જગ્યાએ આવશે.

રિપ્લેસમેન્ટ ખેલાડીને ત્યારે જ મંજૂરી આપવામાં આવશે. જ્યારે મેચ રેફરી અને ઓન-ફીલ્ડ અમ્પાયર તેને ગંભીર ઈજા માને છે. જો સબસ્ટિટ્યુટ યાદીમાં બીજો કોઈ વિકેટકીપર ન હોય, તો રેફરી બીજા ખેલાડીને વિકેટકીપર તરીકે મંજૂરી આપી શકે છે. ઈજાગ્રસ્ત ખેલાડી અને તેના સ્થાને આવનાર ખેલાડી બંને મેચમાં રમ્યા હોવાનું માનવામાં આવશે અને તેમના આંકડા રેકોર્ડમાં નોંધવામાં આવશે.

અહીં તમને જણાવી દઈએ કે, BCCI હાલમાં સફેદ બોલ ક્રિકેટ (વિજય હજારે ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી)માં આ નિયમ લાગુ કરી રહ્યું નથી. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં તેનો અમલ થશે કે નહીં તે હજુ નક્કી નથી.

BCCI-Replacement-Rule2

BCCIએ ઘરેલુ ક્રિકેટમાં ટૂંકા રન સંબંધિત નિયમમાં પણ ફેરફાર કર્યા છે. જો બેટ્સમેન બતાવે છે કે, તેમણે રન પૂર્ણ કર્યો છે, પરંતુ હકીકતમાં તેમાંથી એક જાણી જોઈને તેની ક્રીઝ સુધી પહોંચતો નથી, તો તેને ઇરાદાપૂર્વક ટૂંકા રન ગણવામાં આવશે. આ કિસ્સામાં, અમ્પાયરો ફક્ત એટલા જ રન ગણે છે જેટલા બેટ્સમેનોએ યોગ્ય રીતે પૂર્ણ કર્યા છે. અને જો રન અધૂરો રહે છે, તો તે રન ઉમેરવામાં આવતો નથી. પરંતુ આવા કિસ્સામાં, અમ્પાયર હવે વિરોધી ટીમના કેપ્ટનને પૂછશે કે, આગામી બોલ પર કયો બેટ્સમેન સ્ટ્રાઈક લેશે.

હવે જો કોઈ બેટ્સમેન કોઈ ઈજા કે કોઈ ખાસ કારણ વગર નિવૃત્તિ લે છે, તો તેને સીધો નિવૃત્ત આઉટ ગણવામાં આવશે અને તે ફરીથી બેટિંગ કરવા માટે આવી શકશે નહીં.

error: Content is protected !!