fbpx

ઉદ્ધવના બેગ ચેકિંગ બાદ ગડકરીનું હેલિકોપ્ટર ચેક, ચૂંટણી પંચે આપી આ સ્પષ્ટતા

Spread the love

મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હેલિકોપ્ટરની તપાસ કરવામાં આવી છે. નીતિન ગડકરી મહારાષ્ટ્ર ચૂંટણીના પ્રચાર માટે આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન ચૂંટણી અધિકારીઓએ આ તપાસ હાથ ધરી છે. આ ચેકિંગ એવા સમયે થયું છે, જ્યારે રાજ્યના પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેની બેગ બે વખત ચેક કરવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એકવાર યવતમાળમાં અને બીજી વખત લાતુરમાં.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ આ ઘટના લાતુર જિલ્લામાં બની હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ચૂંટણી અધિકારીઓ હેલિકોપ્ટરમાં સવાર થઈને ત્યાં રાખવામાં આવેલી અનેક બેગની તપાસ કરતા જોવા મળ્યા હતા. કહેવામાં આવ્યું હતું કે, નીતિન ગડકરીના હેલિકોપ્ટરમાંથી નીચે ઉતર્યા પછી આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અગાઉ ચૂંટણી પંચના સૂત્રોએ ઉદ્ધવ ઠાકરેની બેગને ‘લેવલ પ્લેઇંગ ફિલ્ડ માટેના SOP’ના ભાગ તરીકે ગણાવી હતી.

મહારાષ્ટ્રમાં ચૂંટણી માટે આદર્શ આચાર સંહિતા (MCC) લાગુ છે. એવું કહેવાય છે કે, ચૂંટણી અધિકારીઓ ‘મતદારોને આકર્ષવા માટે ભેટો અને રોકડના વિતરણ’ને રોકવા માટે આવું કરે છે. એટલે કે નિયમિતપણે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવે છે. આ મામલે ચૂંટણી પંચના એક સૂત્રએ મીડિયા સૂત્રને જણાવ્યું કે, આ લેવલ પ્લેઈંગ ફિલ્ડ માટેના SOPનો એક ભાગ છે. તમામ રાજકીય પક્ષોના ટોચના નેતાઓના વિમાનો અને હેલિકોપ્ટર નિર્ધારિત SOP મુજબ અને કોઈપણ છૂટછાટ વિના કડકાઈથી ચેક કરવામાં આવે છે.

હકીકતમાં, ઉદ્ધવ ઠાકરેની બેગની બે વખત તપાસ થવાને કારણે વિવાદ ઊભો થયો હતો. 11 નવેમ્બરે યવતમાલ જિલ્લામાં હેલિકોપ્ટરથી ઉતર્યા પછી પહેલીવાર ઉદ્ધવ ઠાકરેની બેગની તપાસ કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે 12મી નવેમ્બરે લાતુર જિલ્લામાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. અહીં ઉદ્ધવ ઔસા મતવિસ્તારમાં શિવસેના (UBT) ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય દિનકર માનેના સમર્થનમાં રેલી માટે આવ્યા હતા. આ દરમિયાન તેમના હેલિકોપ્ટરની ફરી તપાસ કરવામાં આવી હતી.

ઉદ્ધવ ઠાકરે સહિત અનેક વિપક્ષી નેતાઓએ આના પર સવાલ ઉઠાવ્યા હતા. શાસક પક્ષના નેતાઓની પણ આ જ રીતે તપાસ થશે કે કેમ તેવો સવાલ ઉઠાવ્યો હતો. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું, ‘CM એકનાથ શિંદે અને DyCM અજિત પવારે 25-25 કરોડ રૂપિયા મોકલ્યા છે… શું ચૂંટણી પંચ મહાયુતિના નેતાઓના સામાન અને હેલિકોપ્ટરની તપાસ કરે છે? શું મહાયુતિના નેતાઓની બેગમાં માત્ર અન્ડરવેર છે?’ તો શાસક મહાયુતિ ગઠબંધનના નેતાઓનું કહેવું છે કે, જો પૂર્વ CM પાસે છુપાવવા માટે કંઈ નથી તો તેઓ તપાસનો વિરોધ કેમ કરી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને હવે માત્ર એક સપ્તાહ બાકી છે. 20 નવેમ્બરે ચૂંટણી યોજાશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. જ્યારે, ઝારખંડમાં બે તબક્કામાં ચૂંટણી છે. પહેલી 13 નવેમ્બરે અને બીજી 20 નવેમ્બરે. અહીં પણ પરિણામ 23મી નવેમ્બરે આવશે. આજે એટલે કે 13મી નવેમ્બરે ઝારખંડમાં મતદાન થઈ રહ્યું છે.

error: Content is protected !!