બિહારમાંથી અવારનવાર અનોખી ઘટનાઓ પ્રકાશમાં આવે છે, જેમાં લોકો રાજ્યમાં લાગુ કરાયેલા દારૂબંધીનો વિરોધ કરતા જોવા મળે છે અથવા તો તેના કારણે પોતાની પરેશાનીઓ વ્યક્ત કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થાય છે, જેમાં લોકો રાજ્યમાં લાગુ કરાયેલા દારૂબંધીના કાયદાઓ પર સવાલ ઉઠાવતા જોવા મળે છે. જોકે હવે જે મામલો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. રાજ્યમાં લાગુ કરાયેલા દારૂબંધીના કારણે અહીં માણસ નહીં પણ એક પાડો પરેશાન થઇ ગયો છે.
દર વર્ષની જેમ આ વખતે પણ દેશભરના પશુઓ અને તેના વેપારીઓએ બિહારના સોનપુર મેળાની શોભામાં વધારો કર્યો છે. આ મેળામાં ગાય, બળદ, ભેંસ અને ઘોડાની ખરીદી અને વેચાણ થાય છે, પરંતુ આ વર્ષે હરિયાણાથી આવેલા એક પાડાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે.
હરિયાણાના જીંદથી લાવવામાં આવેલા આ પાડાનું નામ ‘રાજા’ છે, જેની કિંમત 2 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવે છે. આ પાડો માત્ર તેના ઊંચા કદ અને મજબૂત સ્વાસ્થ્ય માટે જ પ્રખ્યાત નથી, પરંતુ તેની વિશેષતા તેનો અનોખો ખોરાક છે.
પાડા ‘રાજા’ને રોજ સેવ, ચણા, ઘઉંના દાણા, દૂધ અને પૌષ્ટિક ચારો આપવામાં આવે છે. આ સિવાય તેને રોજ સવાર-સાંજ પીવા માટે બીયર આપવામાં આવે છે, જે તેની સ્ફૂર્તિ બનાવી રાખવામાં મદદ કરે છે.
પાડાના માલિક રામજતન યાદવનું કહેવું છે કે, ‘રાજા’ હરિયાણાની એક ખાસ જાતિનો પાડો છે. ‘રાજા’ને જોવા માટે સોનપુરના મેળામાં ભીડ ઉમટી રહી છે, પરંતુ બિહારની દારૂબંધી નીતિને કારણે આ પાડો પરેશાન અને સુસ્ત દેખાય છે. છેલ્લા ચાર દિવસથી બિયર વિના, ‘રાજા’નો મૂડ ખરાબ છે અને તે પોતાનો નિયમિત ખોરાક પણ યોગ્ય રીતે નથી ખાઈ રહ્યો.
રામજતને કહ્યું કે, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પ્રવાસ દરમિયાન બધું બરાબર હતું, પરંતુ બિહારમાં દારૂ ન મળવાને કારણે ‘રાજા’ની હાલત બગડી રહી છે. આમ છતાં સોનપુરના મેળામાં ‘રાજા’ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.
સોનપુરના પશુ મેળામાં ગાયો અને બળદની સાથે સાથે દેશના ખૂણે-ખૂણેથી પશુપાલકો પોતાના પશુઓ સાથે ઘોડા અને બકરાના બજારમાં પહોંચ્યા છે અને તેને ખરીદવા અને વેચવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે. મેળાની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 5 હજાર ઘોડાઓ સોનપુરના મેળામાં આવ્યા છે, જેઓ તેમની જાતિ, દેખાવ અને લાક્ષણિકતાઓ અનુસાર ખરીદ-વેચાણ કરવામાં આવી રહ્યા છે. ઘોડા બજારમાં 20 હજારથી લઈને 11 લાખ સુધીના ઘોડા છે, જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે.