fbpx

USમાં ભારત સરકારના અધિકારીઓને 2 હજાર કરોડની લાંચ આપવાનો અદાણી પર આરોપ

Spread the love

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની અમેરિકામાં મુશ્કેલીઓ વધી ગઈ છે. US સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને અદાણી ગ્રુપના વડા પર મોટી છેતરપિંડી અને લાંચ આપવાનો આરોપ મૂક્યો છે. SECનો આરોપ છે કે, ગૌતમ અદાણીએ અમેરિકન રોકાણકારો સાથે છેતરપિંડી કરી છે. અમેરિકાના આ કેસમાં અદાણી ગ્રુપના અન્ય ઘણા સભ્યો પર પણ ગંભીર આરોપો લાગ્યા છે. સુનાવણી પછી અમેરિકન કોર્ટે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સામે ધરપકડ વોરંટ પણ બહાર પાડ્યું છે.

આ મામલે US પ્રોસિક્યુટર્સે બુધવારે જણાવ્યું હતું કે, ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત અન્ય સાત લોકો પર 20 વર્ષમાં 2 બિલિયન ડૉલરનો નફો ધરાવતા કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભ્રષ્ટાચારનો આરોપ છે. ભારતનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટ વિકસાવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને આશરે 265 મિલિયન ડૉલરની લાંચ આપવાનો આરોપ છે. બીજી તરફ, અદાણી ગ્રુપે અમેરિકામાં રૂ. 600 મિલિયનના બોન્ડ્સ રદ કર્યા છે.

આ કેસમાં એવો પણ આરોપ છે કે, અદાણી અને અન્ય અદાણી ગ્રીન એનર્જી એક્ઝિક્યુટિવ, ભૂતપૂર્વ CEO વિનીત જૈને ધિરાણકર્તાઓ અને રોકાણકારોથી તેમના ભ્રષ્ટાચારને છુપાવીને 3 બિલિયન ડૉલરથી વધુની લોન અને બોન્ડ એકત્ર કર્યા હતા.

SECના આરોપમાં જણાવાયું છે કે, કેટલાક કાવતરાખોરોએ ગૌતમ અદાણીને નુમેરો ઉનો અને ધ બિગ મેન નામથી વ્યક્તિગત રીતે સંબોધિત કર્યા હતા, જ્યારે સાગર અદાણીએ કથિત રીતે લાંચ વિશે માહિતી મેળવવા માટે સેલફોનનો ઉપયોગ કર્યો હતો.

આ મામલે જ્યારે એક ઇન્ટરનેશનલ મીડિયા એજન્સીએ અદાણી ગ્રુપ સાથે આ બાબતે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ગ્રુપ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. SEC દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ લોકો ફેડરલ સિક્યોરિટીઝ કાયદાની છેતરપિંડી વિરોધી જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે.

એટલું જ નહીં, ન્યૂયોર્કની ઈસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસે ગૌતમ અદાણી, સાગર અદાણી અને અદાણી ગ્રીન અને એઝ્યુર સાથે સંકળાયેલા અન્ય લોકો સામે ફોજદારી આરોપો દાખલ કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણી અને અદાણી જૂથને અગાઉ US સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચના અહેવાલને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમના શેરના ભાવમાં ભારે ઘટાડો થયો હતો.

Leave a Reply

error: Content is protected !!