fbpx

ઓ બાપ રે…!મહિના સુધી વૃદ્ધાને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી,ટ્રાન્સફર કર્યા લગભગ 4 કરોડ

Spread the love

છેલ્લા કેટલાક મહિનામાં ડિજિટલ ધરપકડના મામલામાં ઘણો વધારો થયો છે, ત્યાર પછી PM નરેન્દ્ર મોદીએ ખુદ દેશની જનતાને સાવધાન રહેવાનું કહેવું પડ્યું હતું અને ‘મન કી બાત’ કાર્યક્રમમાં તેમણે લોકોને તેનાથી બચવાના રસ્તાઓ જણાવ્યા હતા. પરંતુ, આ પછી પણ ડિજિટલ ધરપકડનો મામલો અટકતો નથી અને કૌભાંડીઓ સતત નવા નવા લોકોને ફસાવી રહ્યા છે. તાજેતરનો કિસ્સો મુંબઈથી આવ્યો છે, જ્યાં છેતરપિંડી કરનારાઓએ 77 વર્ષીય મહિલાને સૌથી લાંબા સમય સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રાખી હતી.

પોલીસે જણાવ્યું કે, દક્ષિણ મુંબઈની 77 વર્ષીય મહિલાને એક મહિનાથી વધુ સમયથી ‘ડિજિટલ કસ્ટડી’માં રાખવામાં આવી હતી. આરોપીએ મહિલાને નકલી મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવાની ધમકી આપીને રૂ. 3.8 કરોડની છેતરપિંડી કરી હતી. મહિલાએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ગૃહિણી છે અને તેના નિવૃત્ત પતિ સાથે મુંબઈમાં રહે છે, જ્યારે તેના બે બાળકો વિદેશમાં રહે છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, પોલીસે જણાવ્યું કે, તેમને પહેલા વોટ્સએપ કોલ આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું કે, તેણે જે પાર્સલ તાઈવાન મોકલ્યું હતું તેને અટકાવી દેવામાં આવ્યું છે. તેમાં પાંચ પાસપોર્ટ, એક બેંક કાર્ડ, 4 કિલો કપડા અને MDMA ડ્રગ વગેરે હતી. મહિલાએ ફોન કરનારને કહ્યું કે, તેણે કોઈને કોઈ પાર્સલ મોકલ્યું નથી. ફોન કરનારે કહ્યું કે, તેના આધાર કાર્ડની માહિતીનો ઉપયોગ આ ગુનામાં કરવામાં આવ્યો છે અને તેણે તેને મુંબઈ પોલીસ અધિકારી સાથે વાત કરવાનું કહ્યું. આ કોલ નકલી પોલીસ અધિકારીને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો, જેણે કહ્યું હતું કે તેનું આધાર કાર્ડ મની લોન્ડરિંગ કેસ સાથે લિંક છે, જેની તપાસ ચાલી રહી છે. જોકે, તેણે તેમાં કોઈ સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો હતો.

એક પોલીસ અધિકારીએ કહ્યું, ‘આ પછી ફરિયાદીને સ્કાઈપ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે, પોલીસ અધિકારી તેના દ્વારા તેની સાથે વાત કરશે. તેને આદેશ આપવામાં આવ્યો હતો કે તે ફોનને ડિસ્કનેક્ટ ન કરે અને આ બાબતે કોઈને પણ ન કહે. પોતાની ઓળખ IPS અધિકારી આનંદ રાણા તરીકે કરાવતા એક વ્યક્તિએ તેના બેંક ખાતાની વિગતો માંગી. પાછળથી, નાણાં વિભાગમાંથી જ્યોર્જ મેથ્યુ (IPS) હોવાનો દાવો કરતી અન્ય વ્યક્તિ કોલ પર આવી, તેણે આપેલા બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું, જેથી તેઓ તેની તપાસ કરી શકે. તેણે મહિલાને કહ્યું કે, જો ‘ખરું’ જણાય તો પૈસા તેને પરત કરવામાં આવશે. આરોપીએ મહિલાને પોલીસના લોગો સાથે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની નકલી નોટિસ પણ મોકલી હતી.

આરોપીએ મહિલાને તેનો વોટ્સએપ વીડિયો કોલ 24×7 ચાલુ રાખવા કહ્યું, ત્યારપછી તેણે તેના કમ્પ્યુટર પર વીડિયો કોલ શરૂ કર્યો. એક પોલીસ અધિકારીએ કહ્યું, ‘જો મહિલાએ કોલ ડિસ્કનેક્ટ કર્યો અથવા કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો, તો આરોપી તેને ફોન કરશે અને તેને ફરીથી કનેક્ટ કરવા કહેશે અને તેનું લોકેશન ચેક કરવાનું ચાલુ રાખશે.’ ત્યારપછી તેને બેંકમાં જઈને પૈસા ટ્રાન્સફર કરવાની સૂચના આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, જો બેંક પૂછે કે તેને પૈસાની જરૂર કેમ છે, તો તે તેમને કહી શકે છે કે, તે મિલકત ખરીદવા માંગે છે.

તેણે પૈસા ટ્રાન્સફર કર્યા અને આરોપીએ પૈસા સાફ હોવાનું કહીને તેના ખાતામાં 15 લાખ રૂપિયા પરત કર્યા. પૈસા પરત કરીને આરોપીએ મહિલાનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારપછી તેણે મહિલાને તેના અને તેના પતિના સંયુક્ત ખાતામાંથી તમામ પૈસા મોકલવા કહ્યું. આ પછી મહિલાએ છ બેંક ખાતામાં 3.8 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. પૈસા પરત ન આવતાં મહિલાને શંકા ગઈ કે, કંઈક ગરબડ છે. જ્યારે આરોપી ટેક્સ પેટે વધુ પૈસાની માંગણી કરતો રહ્યો અને તેને ‘સર્વિલન્સ’ હેઠળ રાખી હતી. ત્યારપછી મહિલાએ તેની પુત્રી સાથે ફોન પર વાત કરી, જેણે તેને છેતરપિંડી કરવામાં આવી હોવાનું જણાવ્યું અને તેને પોલીસનો સંપર્ક કરવા કહ્યું. તેણે 1930 સાયબર હેલ્પલાઈન પર કોલ કર્યો. પોલીસે આરોપીઓના છ બેંક ખાતા ફ્રીઝ કરી દીધા છે.

Leave a Reply

error: Content is protected !!