મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ આવ્યા હતા. તેમાં મહાયુતિનો જંગી વિજય થયો હતો. પરંતુ પરિણામ જાહેર થયાના 8 દિવસ પછી પણ મહાયુતિમાં સરકાર બનાવવાનું હજુ સ્પષ્ટ દેખાતું નથી. મહાયુતિમાં CM પદને લઈને ખેંચતાણ ચાલુ છે. દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે CM પદની રેસમાં છે. બંને માંથી કોઈ પણ નમવા તૈયાર નથી. આ મામલે BJP અને શિવસેના આમને-સામને છે. શિંદે છાવણી CM પદની જગ્યાએ ગૃહ મંત્રાલયની માંગ કરી રહી છે. BJP CM પદની સાથે સાથે ગૃહ મંત્રાલય પણ પોતાની પાસે રાખવા માંગે છે. મહારાષ્ટ્રના પરિણામો પછી પણ આ બધી બાબતોને લઈને સસ્પેન્સ છે. જોકે, અજિત પવારે કહ્યું છે કે, CM BJPના જ હશે અને સરકારની રચનામાં વિલંબ આ કઈ પહેલીવાર નથી થયો.
હા, અજિત પવાર એકદમ સાચું કહી રહ્યાછે. મહારાષ્ટ્રમાં સરકારની રચનામાં વિલંબ થયો હોય તેવું કઈ પહેલીવાર નથી. આ પહેલા પણ મહાગઠબંધનમાં ખેંચતાણ જોવા મળી છે. સરકાર બનાવવામાં વિલંબ થયો છે. વર્ષ 1999માં પણ BJP અને શિવસેના વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો, પરંતુ તે સમયે એક ચોંકાવનારી ઘટના બની હતી. BJP અને તત્કાલીન શિવસેના એક સાથે હતા. સરકારની રચના અને CM પદને લઈને બંને વચ્ચે લાંબી ખેંચતાણ ચાલી હતી. પછી અચાનક શરદ પવારે એવી રમત રમી કે BJP અને શિવસેનાની સરકાર બનતા બનતા રહી ગઈ અને શરદ પવારની NCP અને કોંગ્રેસ બાજી મારી ગઈ અને સરકાર બનાવી લીધી હતી.
હકીકતમાં મહારાષ્ટ્રમાં 5 સપ્ટેમ્બર અને 11 સપ્ટેમ્બર 1999ના રોજ એમ બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો 7 ઓક્ટોબર 1999ના રોજ આવ્યા. તે ચૂંટણીમાં BJP, શિવસેના, કોંગ્રેસ અને NCP મુખ્ય પક્ષો હતા. BJP અને શિવસેના વચ્ચે ગઠબંધન થયું હતું. બંને એકસાથે ચૂંટણી લડ્યા હતા. પરંતુ NCP અને કોંગ્રેસ અલગ અલગ ચૂંટણી લડ્યા હતા. તે વખતના ચૂંટણી પરિણામોમાં શિવસેનાને 69 અને BJPને 56 બેઠકો મળી હતી. જ્યારે કોંગ્રેસે 75 અને NCPએ 58 બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં 30 બેઠકો હતી. આ ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. કારણ કે તે સમયે BJP અને શિવસેના વચ્ચે ગઠબંધન હતું, તેમ છતાં તેની બેઠકોની સંખ્યા માત્ર 125 થઇ રહી હતી, જે બહુમતી કરતા 20 ઓછી હતી.
સરકારની રચનાને લઈને બંને વચ્ચે લાંબી ખેંચતાણ ચાલી હતી. કઈ પાર્ટીનો કોણ CM બનશે, કોને કયું મંત્રાલય મળશે… પરંતુ લગભગ 20-22 દિવસ સુધી આ ખેંચતાણ ચાલી હતી. શિવસેનાના નારાયણ રાણે અને BJPના ગોપીનાથ મુંડે બંને CM બનવા માંગતા હતા. આ ખેંચતાણનું કારણ પણ એ જ હતું. આ ખેંચતાણના કારણે શરદ પવારને સરકાર બનાવવાની તક મળી ગઈ. તે ચૂંટણીમાં શરદ પવારની NCP કોંગ્રેસથી અલગ થઈને ચૂંટણી લડી હતી. શરદ પવારે જેવો BJP અને શિવસેના વચ્ચે સંઘર્ષ વધતો જોયો કે, તરત જ તેમણે કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લીધું અને મોકો જોઈને તરત સરકાર બનાવી લીધી.
1999માં, શરદ પવારની આ રમતને કારણે, BJP અને શિવસેનાની સરકાર બનતા બનતા રહી ગઈ હતી. NCP-કોંગ્રેસ ગઠબંધનમાં કોંગ્રેસના વિલાસરાવ દેશમુખ CM બન્યા હતા. જ્યારે, NCPના છગન ભુજબલ DyCM બન્યા હતા. રસપ્રદ વાત એ છે કે, 1999માં જ શરદ પવારે કોંગ્રેસથી અલગ થઈને NCPની રચના કરી હતી. શરદ પવાર અને કોંગ્રેસની આ જોડી 1999થી 2014 સુધી હિટ રહી હતી. BJP-શિવસેનાને વનવાસ ભોગવવો પડ્યો હતો. આ વખતે પણ BJP અને શિંદેની શિવસેના વચ્ચે ખેંચતાણ વધી જ જઈ રહી છે. મહારાષ્ટ્રના CM પરનું સસ્પેન્સ ક્યારે સમાપ્ત થશે, એ પણ એક રહસ્ય જ છે.