fbpx

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર અટકશે, યુનુસને પાડવા શેખ હસીના દુશ્મનની સાથે!

Spread the love

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારને રોકવા પૂર્વ PM શેખ હસીના હવે સક્રિય થઈ ગયા છે. ભારતમાં રહેતા શેખ હસીનાએ ત્યાંની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસને તેમના દેશમાં હિંદુ સમુદાયના લોકો પરના હુમલા માટે જવાબદાર ઠેરવ્યા છે. તેણે કહ્યું કે, મોહમ્મદ યુનુસ નરસંહાર કરાવી રહ્યા છે. જેના કારણે દેશમાં ફરી અરાજકતાનો માહોલ સર્જાયો છે.

અમેરિકાના ન્યૂયોર્કમાં આયોજિત તેમની પાર્ટી અવામી લીગના એક કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરતી વખતે શેખ હસીનાએ કહ્યું કે, દેશમાં લઘુમતીઓ પર થઇ રહેલા અત્યાચાર માટે મોહમ્મદ યુનુસ સંપૂર્ણપણે જવાબદાર છે. તેમણે કહ્યું કે મારા પર અત્યાચારના આરોપો લગાવવામાં આવ્યા છે. જ્યારે સત્ય એ છે કે, મોહમ્મદ યુનુસ કટ્ટરવાદી વિદ્યાર્થી નેતાઓ સાથે મળીને લઘુમતીઓ પર અત્યાચાર કરાવી રહ્યા છે. આ તમામ માસ્ટરમાઇન્ડ છે. ત્યાં સુધી કે, તારિક રહેમાને પણ લંડનથી કહ્યું છે કે, જો આ રીતે અત્યાચાર કરવાનું ચાલુ રહેશે તો આ સરકાર લાંબુ ટકી શકશે નહીં. હવે શેખ હસીના દ્વારા રહેમાનના કરવામાં આવેલા વખાણના ઘણા અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

તારિક રહેમાન પૂર્વ PM અને BMP નેતા ખાલિદા ઝિયાના પુત્ર છે. એક કેસમાં દોષિત ઠેરવવાને કારણે તેઓ લંડનમાં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે. જોકે, ગત 1 ડિસેમ્બરે બાંગ્લાદેશની હાઈકોર્ટે તેમને તે કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. બાંગ્લાદેશમાં આ દિવસોમાં હિંદુઓ વિરુદ્ધ ઘણા અત્યાચારો થઇ રહ્યા છે. ઇસ્કોનના એક પૂજારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરવામાં આવી છે. તે પછી અત્યાચાર થવાની બીજી ઘણી ઘટનાઓ બની છે. તાજેતરમાં, ભારત આવવા માંગતા ઘણા ઇસ્કોનના પૂજારીઓને દેશ છોડતા અટકાવી દેવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં શેખ હસીનાએ કહ્યું કે, આજે બાંગ્લાદેશમાં શિક્ષકો, પોલીસ અને દરેક પર હુમલા થઈ રહ્યા છે. હિન્દુ, બૌદ્ધ અને ખ્રિસ્તી લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઘણા ચર્ચ અને મંદિરો પર હુમલા થયા છે.

BMP નેતા તારિક રહેમાન સામેનો કેસ ખતમ થયા પછી તેમની બાંગ્લાદેશ પરત ફરવાની આશા વધી ગઈ છે. તેઓ 16 વર્ષથી આશ્રિતની જિંદગી જીવી રહ્યા છે. 2018માં કોર્ટે રહેમાનને આજીવન કેદની સજા ફટકારી હતી. રહેમાનના પિતા ઝિયાઉર રહેમાન હતા. તેઓ બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ હતા. 30 મે 1981ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી. શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડ્યાના થોડા જ દિવસોમાં બેગમ ખાલિદા ઝિયાને પણ મુક્ત કરવામાં આવ્યા હતા.

જો તારિક રહેમાન બાંગ્લાદેશ આવે છે, તો સ્થિતિ બદલાઈ શકે છે. હકીકતમાં શેખ હસીના અને BNP વચ્ચેના સંબંધો ખૂબ જ કડવાશભર્યા રહ્યા છે. પરંતુ, બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને જોતા શેખ હસીનાએ પોતાના નિવેદનમાં તારિક રહેમાનને જે રીતે યાદ કર્યા છે, તે જોતા લાગે છે કે, વર્તમાન પરિસ્થિતિમાં શેખ હસીના કોઈપણ રીતે મોહમ્મદ યુનુસને સત્તા પરથી હટાવવા માંગે છે.

તારિક રહેમાન 10 જાન્યુઆરીએ બાંગ્લાદેશ પરત ફરે તેવી શક્યતા છે. આ દિવસે 1972માં શેખ મુજીબુર રહેમાન પાકિસ્તાની જેલમાંથી મુક્ત થઈને ઢાકા પહોંચ્યા હતા. કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર થયા પછી રહેમાને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આપણે એકજૂટ રહેવું પડશે. રાજકીય નફરતનો અંત લાવવો પડશે. આપણે નવા પ્રકરણો લખવા પડશે. તેઓ ભારત સાથે સારા સંબંધોની હિમાયત કરે છે. તેઓ લોકશાહીની વાત કરે છે. જોકે, તેમના જ પક્ષના કટ્ટરપંથીઓ તેમને પસંદ નથી કરતા.

Leave a Reply

error: Content is protected !!