કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સીધું અને સચોટ બોલવા માટે જાણીતા છે. તેઓ પોતાના તેજ ધારવાળા શબ્દોના કારણે અવારનવાર સમાચારોમાં ચમકતા રહે છે. આ વખતે તેમણે મહારાષ્ટ્રના રાજકીય સંકટ પર એવી વાતો કહી દીધી, જે ઘણા નેતાઓને સીધી અસર કરશે. ગડકરીએ કહ્યું કે, રાજકારણનું ક્ષેત્ર અસંતુષ્ટ આત્માઓનો દરિયો છે. અહીં કોઈ પણ સંતુષ્ટ નથી. દરેકની મહત્વાકાંક્ષા વધી ગઈ છે. કોઈને પણ સંતોષ નથી. તેથી જીવનનો આનંદ ખોવાઈ ગયો છે. તેમના આ નિવેદનને નેતાઓ માટે એક સલાહ તરીકે જોવામાં આવી રહ્યું છે.
નાગપુરમાં ’50 ગોલ્ડન રૂલ્સ ઑફ લાઇફ’ પુસ્તકના વિમોચન પ્રસંગે ગડકરીએ ઉચ્ચ હોદ્દા પર રહેલા નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું, આજની રાજનીતિમાં કોઈ પણ સંતુષ્ટ નથી. જે વ્યક્તિ કાઉન્સિલર બની છે, તેને તે વાતનું દુઃખ છે કે તે ધારાસભ્ય ન બની શક્યો. જે ધારાસભ્ય બની ગયો તે એ વાતથી દુઃખી છે કે તે મંત્રી ન બની શક્યો. જે મંત્રી બન્યો તેને તે વાતનું દુ:ખ છે કે તેને તેની જરૂરિયાત મુજબનું મંત્રાલય ન મળ્યું. જો કોઈ મંત્રી, CM ન બની શક્યો તો તેના માટે તે દુઃખી છે. અને જે CM બની ગયો તેને તે વાતનો ડર છે કે, કદાચ હાઈકમાન્ડ તેને હટાવી ન દે. આ રીતે રાજકારણ એ એક અસંતુષ્ટ આત્માઓનો દરિયો છે.
ગડકરીએ માત્ર રાજકારણ જ નહીં પરંતુ કોર્પોરેટ સેક્ટરને પણ નિશાન બનાવ્યું હતું. તેમણે કહ્યું, કોર્પોરેટ સેક્ટરમાં પણ કોઈ ખુશ નથી. આ અસંતુષ્ટ આત્માઓને શાંત કરવાનો એક જ રસ્તો છે, તેઓએ જીવન જીવવાની કળા શીખવી પડશે. તેમને જીવન જીવવાની કળા જાણવી પડશે. શાંતિના આ સૂત્રને જેણે સમજી લીધું છે, તેના જેવું સુખી આ દુનિયામાં કોઈ નથી.
મહારાષ્ટ્રમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. પરંતુ પરિણામોના 10 દિવસ પછી પણ મહાગઠબંધન સરકાર બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. નેતાઓ નારાજ થઈને બેઠેલા જોવા મળે છે. આ દરમિયાન અનેક નેતાઓએ મોટા નેતાઓ પાસે મંત્રી પદ માટે લોબિંગ પણ શરૂ કરી દીધું છે. તેમની પર કટાક્ષ કરતા નીતિન ગડકરીએ કહ્યું કે, આ અસંતુષ્ટ લોકોનું કંઈ થઈ શકે નહીં. થોડા મહિના પહેલા પણ નીતિન ગડકરીએ આવી જ વાત કહી હતી, જેની ખૂબ ચર્ચા થઈ હતી. પરંતુ મહારાષ્ટ્રમાં હાલના રાજકીય ઘટનાક્રમ વચ્ચે તેમની આ ટિપ્પણી ઘણું બધું કહી જાય છે.