સચિન તેંડુલકરને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે. સચિન તેંડુલકરે તેની કારકિર્દી દરમિયાન વનડેમાં 18,426 રન અને ટેસ્ટમાં 15,921 રન બનાવ્યા છે. સચિન તેંડુલકરના નામે તમામ ફોર્મેટ મળીને 100 આંતરરાષ્ટ્રીય સદીઓ છે. ઓસ્ટ્રેલિયાના એક પૂર્વ ક્રિકેટરે સચિન તેંડુલકરને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ગ્રેગ રોવેલ એક ઓસ્ટ્રેલિયન વકીલ છે, જે અગાઉ ફસ્ટ કલાસ ક્રિકેટર હતા, તેમણે સચિન તેંડુલકર વિશે એક જૂનો કિસ્સો સંભળાવ્યો છે. ગ્રેગ રોવેલે 1991/92માં પ્રેક્ટિસ મેચ દરમિયાન સચિન તેંડુલકરને આઉટ કર્યો હતો.
આ ઘટના 1991/92 દરમિયાન ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસની છે. આ પ્રવાસમાં ભારત અને ઓસ્ટ્રેલિયા પ્રાઇમ મિનિસ્ટર ઇલેવનની ટીમો વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાઇ હતી. આ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયા પ્રાઇમ મિનિસ્ટર ઇલેવન તરફથી રમતા ગ્રેગ રોવેલે માત્ર તેંડુલકરને જ નહીં પરંતુ રવિ શાસ્ત્રીને પણ આઉટ કર્યો હતો. રવિ શાસ્ત્રી તે સમયે ટીમ ઈન્ડિયાના પ્રખ્યાત અને મોટા ખેલાડીઓમાંથી એક હતા. ગ્રેગ રોવેલે તે મેચમાં ભારત સામે 27 રન આપીને 6 વિકેટ લીધી હતી. તે મેચમાં ગ્રેગ રોવેલે સચિન તેંડુલકરને 34 રનના અંગત સ્કોર પર આઉટ કર્યો હતો. તે સમયે સચિન તેંડુલકર 18 વર્ષના હતા, ત્યારે તે એટલા લોકપ્રિય નહોતા.
ગ્રેગ રોવેલે મીડિયા સૂત્રો સાથે વાત કરતાં કહ્યું કે, ‘સચિન તેંડુલકર ત્યારે એટલું મોટું નામ નહોતું; રવિ શાસ્ત્રી હતા. ઓહ, જોકે શ્રેણીના અંત સુધીમાં હું જાણી ગયો કે સચિન તેંડુલકર ખરેખર કોણ છે.’ ગ્રેગ રોવેલે આવું એટલા માટે કહ્યું, કારણ કે સચિન તેંડુલકરે 18 વર્ષની ઉંમરે 1991/92ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઊંડી છાપ છોડી હતી. સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયાની ધરતી પર 1991/92ની ટેસ્ટ શ્રેણી દરમિયાન 368 રન બનાવ્યા હતા. જો કે ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ભારતને 4-0થી હરાવ્યું હતું, પરંતુ તે સિરીઝમાં સચિન તેંડુલકર ચમકી ગયો હતો.
18 વર્ષના સચિન તેંડુલકરે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 368 રન બનાવ્યા હતા, જેમાં બે સદી સામેલ હતી. રસપ્રદ વાત એ છે કે, આ સિરીઝમાં રવિ શાસ્ત્રીએ પણ સારું પ્રદર્શન કર્યું હતું. રવિ શાસ્ત્રીએ માત્ર 3 મેચમાં 300 રન બનાવ્યા અને ભારતના બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા. ગ્રેગ રોવેલ ઓસ્ટ્રેલિયા પ્રાઇમ મિનિસ્ટર XI ટીમનો ભાગ હતો, જેમાં ઓસ્ટ્રેલિયાના ઘણા મહાન અને નિયમિત ખેલાડીઓનો સમાવેશ થતો હતો. શેન વોર્ન, મેથ્યુ હેડન, માઈકલ બેવન, ડેમિયન ફ્લેમિંગ અને ડેમિયન માર્ટીન જેવા ખેલાડીઓ તે મેચમાં ગ્રેગ રોવેલના સાથીદારો હતા. એ મેચમાં એલન બોર્ડરે ટીમની કેપ્ટનશીપ કરી હતી. ગ્રેગ રોવેલ વ્યાવસાયિક ક્રિકેટમાં લાંબી કારકિર્દી બનાવવામાં નિષ્ફળ ગયો. ગ્રેગ રોવેલે કારકિર્દી બદલી અને વકીલ બની ગયા, પછી છેલ્લે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાન બોર્ડના સભ્ય બની ગયા.