પોતાના કૌટુંબિક પ્રસંગોમાં બોલિવૂડ સ્ટાર્સને આમંત્રિત કરવા એ ઉદ્યોગપતિઓ અને પ્રભાવશાળી લોકોમાં લોકપ્રિય ફેશન થઇ ગઈ છે. ફિલ્મ સ્ટાર્સ પણ આવા કાર્યક્રમોમાં થોડા સમય માટે આવવા માટે ખાસ્સી એવી રકમ વસૂલી લેતા હોય છે.
જો કે, આ ઇવેન્ટ્સ મોટે ભાગે લગ્ન, જન્મદિવસની પાર્ટીઓ અથવા નવા સાહસનું ઉદ્ઘાટન હોય છે. પરંતુ શું તમને ખબર છે કે લોકો સેલિબ્રિટીને અંતિમ સંસ્કારમાં પણ આમંત્રિત કરવા માંગે છે અને આ માટે તેઓ ઘણા બધા પૈસા ખર્ચવા પણ તૈયાર હોય છે. બોલિવૂડ એક્ટર ચંકી પાંડેએ આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે એક પરિવારે તેને અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે પૈસા ચૂકવ્યા હતા.
‘હાઉસફુલ’ એક્ટર ચંકી પાંડેએ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, તેને જે પણ પ્રસંગમાં જવાનું કહેવામાં આવે, તે તેના માટે તૈયાર થઈ જતો હતો અને આના ચક્કરમાં તે એક વખત અંતિમ સંસ્કારમાં પહોંચી ગયો હતો, જેના માટે તેને પૈસા પણ આપવામાં આવ્યા હતા. આનાથી પણ વધુ ચોંકાવનારી વાત એ છે કે, તેને ફોન કરીને બોલાવનાર પરિવાર, જો તે રડશે તો તેની ફી વધારવા માટે પણ તૈયાર થઈ ગયા હતા.
ચંકીએ કહ્યું, ‘જ્યારે હું એક અભિનેતા તરીકે મારી કારકિર્દીની શરૂઆત કરી રહ્યો હતો, ત્યારે મારી પાસે વધારાની આવક મેળવવાનો એક જ રસ્તો હતો અને તે હતો ઇવેન્ટ્સમાં હાજરી આપવાનો. મારી પાસે હંમેશા એક બેગ તૈયાર રહેતી હતી. જ્યારે પણ કોઈ મને ફોન કરે ત્યારે હું મારી બેગ ઉપાડતો અને ત્યાં હાજરી આપતો હતો, પછી તે લગ્ન હોય, જન્મદિવસ હોય કે મુંડન હોય. એક સવારે મને એક આયોજકનો ફોન આવ્યો. તેણે પૂછ્યું, આજે શું કરો છો? મેં કહ્યું કે, હું હમણાં જ શૂટિંગ માટે નીકળી રહ્યો છું. તેણે પૂછ્યું કે શૂટિંગ ક્યાં છે અને મેં તેને કહ્યું, ફિલ્મ સિટીમાં. પછી તેણે કહ્યું- ‘ભાઈ, રસ્તામાં એક નાની ઇવેન્ટ છે, 10 મિનિટ માટે આવવાનું છે, પૈસા વધારે મળશે.’ મેં કહ્યું હા હમણાં જ આવ્યો.
આ પછી ચંકીને કહેવામાં આવ્યું કે, જો તે આવી રહ્યો છે તો સફેદ કપડા પહેરીને આવજે. ચંકીએ કહ્યું, ‘મેં વધારે ન વિચાર્યું, સફેદ કપડાં પહેર્યા અને સ્થળ પર પહોંચી ગયો.’
આ વાતને આગળ વધારતા ચંકીએ કહ્યું, ‘હું ત્યાં પહોંચ્યો અને જોયું કે ઘણા લોકો સફેદ કપડાં પહેરીને બહાર ઊભા હતા. હું ધીમે ધીમે અંદર જવા લાગ્યો અને લોકો મારી સામે જોઈ રહ્યા હતા. તેઓ એકબીજા સાથે વાતો કરતા હતા કે, ચંકી પાંડે આવ્યો છે અને હું આશ્ચર્ય પામી રહ્યો હતો કે શું થઈ રહ્યું છે. મેં એક ડેડ બોડી જોઈ અને પછી મને સમજાયું કે આ તો અંતિમ સંસ્કાર છે. હું ભોળો હતો, મને એમ લાગ્યું કે હું ઓર્ગેનાઈઝર પાસે પહોંચ્યો ત્યાં સુધીમાં તે મરી ગયો હતો. મેં એક ખૂણામાં આયોજકને જોયો અને તેને બોલાવ્યો. તેણે કહ્યું, ‘સાહેબ, ચિંતા કરશો નહીં, મારી પાસે તમારું પેકેટ (પૈસા) છે. પરંતુ પરિવારે કહ્યું છે કે, જો તે રડશે તો વધુ પૈસા આપશે.’
ચંકી પાંડેએ ભારપૂર્વક કહ્યું કે, આવું ખરેખર બન્યું હતું. ચંકીએ 1987માં મલ્ટી સ્ટારર ફિલ્મ ‘આગ હી આગ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ‘તેઝાબ’, ‘આંખે’, ‘તિરછી ટોપીવાલે’, ‘દે દાના દન’ અને ‘હાઉસફુલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.