મહારાષ્ટ્રમાં CM પદને લઈને ભલે સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું, છતાં હજુ પણ અનેક ટ્વિસ્ટ સામે આવી રહ્યા છે. એક તરફ દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત CM પદના શપથ લેવા જઈ રહ્યા છે, તો બીજી તરફ અજિત પવાર છઠ્ઠી વખત DyCM પદના શપથ લઈને ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. આવી તમામ રાજકીય ઘટનાક્રમ વચ્ચે હજુ એ સ્પષ્ટ નથી થયું કે, એકનાથ શિંદે DyCM પદના શપથ લેશે કે નહીં. આ દરમિયાન, રાજ્યમાં વધુ એક નાટકીય પરિવર્તન જોવા મળી શકે છે. જો સૂત્રોનું માનીએ તો NCP શરદ પવારના ઘણા સાંસદો પક્ષ બદલીને અજિત પવાર સાથે જોડાઈ શકે છે.
હકીકતમાં, સૂત્રોના જણાવ્યા અનુસાર, અજિત પવારની આગેવાની હેઠળના NCP જૂથે શરદ પવારની પાર્ટીના સાંસદોને પોતાની બાજુમાં લાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ કામ માટે પાર્ટીની એક વરિષ્ઠ મહિલા નેતાને સાંસદોનો સંપર્ક કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
હાલમાં જ અજિત પવારની દિલ્હી મુલાકાત પછી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, તેઓ શરદ પવારના પ્રભાવને નબળો પાડવાની રણનીતિ બનાવી રહ્યા છે. તેમના જૂથના ધારાસભ્ય અમોલ મિટકરીએ પણ આડકતરી રીતે ટ્વીટ દ્વારા આ ઘટનાને સમર્થન આપ્યું છે. મિટકરીએ પોતાના ટ્વીટમાં રોહિત પવાર પર નિશાન સાધ્યું છે.
રોહિત પવાર NCP (SP)ના નેતા છે. અમોલ મિટકરીએ તેમની સામે કટાક્ષ કરતા આ લખ્યુ છે. અમોલ મિટકરીએ તેમને ટોણો મારી રહ્યા છે કે, તેઓ ‘લોકશાહી બચાવવા’ની મોટી મોટી વાતો કરી રહ્યા છે, જ્યારે તેમની પોતાની પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો વિરોધી છાવણીના સંપર્કમાં છે. ટ્વીટમાં દેવગિરી (શરદ પવારનું નિવાસસ્થાન) અને સાગર બંગલો (દેવેન્દ્ર ફડણવીસનું નિવાસસ્થાન)નો ઉલ્લેખ કરીને સંકેત આપવામાં આવ્યો છે કે, રાજકીય સંપર્કો અને બેઠકોની પ્રક્રિયા ઝડપી બની રહી છે.
આ દરમિયાન, સોમવારે DyCM દેવેન્દ્ર ફડણવીસના સાગર બંગલામાં ભિવંડીના સાંસદ સુરેશ ઉર્ફે બાલી મામા મ્હાત્રેની બેઠકે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા જગાવી હતી. જોકે, મ્હાત્રેએ તેને અંગત કામનો મામલો ગણાવ્યો હતો અને સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ માત્ર શરદ પવાર સાથે જ છે. પરંતુ એનાથી હંગામો વધારે વધી ગયો છે.
આ બાજુ મહારાષ્ટ્રમાં નવા CMના શપથની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ રાજકીય દાવપેચ પણ ચાલુ છે. હવે જોવાનું એ રહેશે કે, અજિત પવારના આ પગલાની શરદ પવાર જૂથ પર શું અસર થાય છે અને કેટલા સાંસદો અને નેતાઓ તેમના સંપર્કમાં આવે છે. અહીં તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીમાં અજિત પવારનો માત્ર એક જ સાંસદ ચૂંટાયો હતો, હવે એવું માનવામાં આવે છે કે, શરદ પવારના જૂથના ઘણા સાંસદો પક્ષમાંથી પલટો મારીને અજિત પવારની છાવણીમાં સામેલ થઈ શકે છે.