fbpx

ગડકરીએ કોના માટે કહ્યું- જો કામ નહીં કરે તો અમે તેને બુલડોઝર નીચે મૂકી દઈશું

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે લોકસભામાં સભ્યોના પ્રશ્નો અને તેમના મંત્રાલય સાથે સંબંધિત કામના જવાબો આપ્યા. આ દરમિયાન ગડકરીએ માર્ગ અકસ્માતમાં થયેલા મોત પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં, તેમણે રોડ પ્રોજેક્ટ્સમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી સહીત ટોલ સેન્ટરની સંખ્યા વિશે પણ જવાબ આપ્યો.

હકીકતમાં, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)ના સાંસદ હનુમાન બેનીવાલે લોકસભામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની ખામીઓ ગણાવી હતી અને 150થી વધુ લોકોના મોતની વાત કરી હતી. નાગૌરના સાંસદે જણાવ્યું હતું કે, એકલા દૌસામાં જ 50થી વધુ લોકોના મોત થયા છે. તેમણે કેન્દ્રીય મંત્રી પાસેથી એક્સપ્રેસ વે પર તૈનાત કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અને તપાસ રિપોર્ટ અંગે માહિતી માંગી હતી.

તેના પર ગડકરીએ કહ્યું કે, આ દેશનો સૌથી લાંબો એક્સપ્રેસવે છે અને વૈશ્વિક સ્તરે સૌથી ઓછા સમયમાં તેને બનાવવામાં આવ્યો છે. તેની કિંમત એક લાખ કરોડ રૂપિયા છે. તેના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સ્તરમાં ફેરફાર થયો છે, પરંતુ સામગ્રીમાં કોઈ બેઈમાની થઈ નથી. કેટલીક જગ્યાએ ચોક્કસપણે રોડ દબાઈ ગયો છે, જેની અમને જાણ થઇ છે. અમે તેને સુધારવા માટે કહ્યું હતું, જે સુધારી દેવામાં આવ્યું છે. જ્યાં રોડના લેયરમાં તફાવત જોવા મળ્યો છે, તેના માટે અમે 4 કોન્ટ્રાક્ટરોને જવાબદાર ઠેરવ્યા છે અને તેમને નોટિસ આપી કડક કાર્યવાહી પણ કરીશું. જે તે અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

ગડકરીએ કહ્યું કે, ‘જો કોન્ટ્રાક્ટર આવી નબળી ગુણવત્તાનું કામ કરશે, તો તે છ મહિના સુધી કોઈ ટેન્ડર ભરી શકશે નહીં. અમે આવી નીતિ બનાવી છે અને જે અધિકારીઓ છે તેના પર પણ વિશેષ કાર્યવાહી કરાશે અને તેમને નોકરીમાંથી સસ્પેન્ડ કરાશે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મારા વિભાગે 50 લાખ કરોડના કામો કર્યા છે.

તેમના કોન્ટ્રાક્ટ માટે કોઈ કોન્ટ્રાક્ટરને મંત્રાલય સુધી આવવું પડ્યું ન હતું. અમે પારદર્શક છીએ, સમયમર્યાદા માટે પ્રતિબદ્ધ છીએ અને નક્કર પરિણામો ઈચ્છીએ છીએ. મેં જાહેર સભામાં પણ કહ્યું છે કે, જો કોન્ટ્રાક્ટર કામ નહીં કરે તો અમે તેને બુલડોઝર નીચે મૂકી દઈશું, તે યાદ રાખજો. આ વર્ષે જુઓ કે કોન્ટ્રાક્ટરોને કેવી રીતે બ્લેકલિસ્ટ કરવામાં આવે છે. તેમને બરાબના મારી ઠોકીને સીધા કરવામાં આવશે. અમે કોઈની સાથે સમાધાન કરતા નથી.

ગડકરીએ લોકસભામાં માર્ગ અકસ્માતના આંકડા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, તમામ પ્રયાસો છતાં દેશમાં એક વર્ષમાં 1.68 લાખ લોકો માર્ગ અકસ્માતોને કારણે મૃત્યુ પામ્યા છે. આ અકસ્માતોમાં મૃત્યુ પામનારાઓમાં 60 ટકા યુવાનો હતા. તેમણે ગૃહમાં કહ્યું કે, આ સ્થિતિ દુઃખદ છે અને તેને રોકવા માટે સમાજે સહકાર આપવો પડશે.

ગડકરીએ કહ્યું, ‘એ કહેવું દુખદ છે કે, ઘણા પ્રયાસો છતાં એક વર્ષમાં 1.68 લાખ લોકોના મોત થયા છે. આ લોકો તોફાનોમાં નહીં પરંતુ માર્ગ અકસ્માતમાં માર્યા ગયા હતા.’ તેમણે કહ્યું, ‘જ્યારે હું મહારાષ્ટ્ર (વિધાન પરિષદ)માં વિરોધ પક્ષનો નેતા હતો, ત્યારે હું માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો હતો અને મારા હાડકાં ચાર જગ્યાએથી તૂટી ગયા હતા. હું આ પરિસ્થિતિને સમજું છું.’ મંત્રીએ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવામાં સાંસદોને પણ સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરી હતી.