fbpx

દુકાનમાં ચોરી કરતા પહેલા ભગવાનનો ફોટો પડી ગયો તો માથે લગાવીને માંગી માફી

Spread the love

મધ્યપ્રદેશના બેતુલમાં 11 દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટનામાં ચોરનું એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં એક દુકાનમાં ઘૂસતા સમયે ભગવાનની તસવીર નીચે પડી ગઈ અને ચોરનો પગ તેને લાગી ગયો. ચોરે ફોટો ઉપાડ્યો, માથે લગાવ્યો અને માફી માંગી અને પ્રણામ કર્યા. ત્યાર પછી ચોરી કરી હતી. પોલીસ અજાણ્યા ચોરને શોધી રહી છે.

બેતુલના મુલતાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રભાત પટ્ટનમાં રાત્રે 11 દુકાનોના તાળા તોડી ચોરી કરવાની ઘટનાઓ સામે આવી છે. એમાં એક રસપ્રદ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું. ચોર જ્યારે એક દુકાનમાં ઘૂસ્યો ત્યારે ભગવાનનો ફોટો પડી ગયો અને ચોરનો પગ તેના પર પડ્યો હતો. આ પછી ચોરે તે ફોટો ઉપાડ્યો અને તેના માથે લગાવ્યો, અને હાથ જોડીને માફી માંગી. ત્યારપછી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

શુભમ એગ્રીકલ્ચર સેન્ટરમાં લાગેલા CCTV ફૂટેજમાં ચોર શટર ઉંચકી અંદર પ્રવેશતા જોવા મળ્યા હતા. ઘટના દરમિયાન કાઉન્ટર ખસેડવામાં આવતા ભગવાનનો ફોટો પડી ગયો હતો. ચોરે ફોટો ઉપાડ્યો, તેના માથે લગાવ્યો અને તેને પુરી શ્રદ્ધા સાથે તેની જગ્યાએ પાછો મૂક્યો. આ પછી બીજો ચોર અંદર આવ્યો હતો અને બંનેએ કાઉન્ટરની પાછળ રાખેલી ટ્રે તોડી રોકડની ચોરી કરી હતી.

શુભમ કૃષિ કેન્દ્રના સંચાલકે CCTV ફૂટેજ જોઈને ચોરને ઓળખવાનો પ્રયાસ કર્યો હતો. ફૂટેજમાં દેખાતા કપડાં સાથે મેળ ખાતા એક વ્યક્તિને ગ્રામજનોની મદદથી પકડવામાં આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી છે અને તેની પાસેથી સિક્કા મળી આવ્યા છે.

ઓટો પાર્ટસની દુકાનના સંચાલક યાસીન અન્સારીએ જણાવ્યું હતું કે, તેમની દુકાનમાંથી આશરે રૂ. 8-9 હજારની ચોરી થઈ હતી, જેમાં ચિલર અને દાનપેટીમાં મુકેલા પૈસા સામેલ હતા. તેમણે કહ્યું કે, એક સાથે 11 દુકાનોમાં ચોરી થવી એ ગંભીર ઘટના છે અને તે બદમાશોની વધી રહેલી હિંમત દર્શાવે છે.

મુલતાઈ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રાજેશ સાતનકરે જણાવ્યું કે, ચોરીની ઘટના અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ ચાલુ છે, અને CCTV ફૂટેજના આધારે ચોરોની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, ટૂંક સમયમાં જ ચોરોને પકડી લેવામાં આવશે.

હાલ દુકાનોમાંથી કુલ કેટલી રકમની ચોરી થઈ છે તેનો અંદાજ નથી, પરંતુ કેટલાક છૂટક પૈસા અને અન્ય રોકડ રકમની ચોરી થઈ હોવાની પુષ્ટિ થઈ છે. આ ઘટનાથી વિસ્તારની સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે.

error: Content is protected !!