
ટ્રકોમાં થતા ઓવરલોડને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે ઓવરલોડિંગ પર લગામ લગાવવા માટે એક નવી સિસ્ટમ લાવવાનો નિર્ણય કર્યો છે. આ સિસ્ટમ લાગૂ થયા બાદ ટ્રક પર જ લખ્યું હશે કે તેમાં કેટલો વજન લોડ કરવામાં આવ્યો છે. આ જાણકારી કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ આપી છે. નીતિન ગડકરીએ ગુરુવારના રોજ લોકસભામાં પશ્નકાળ પર ચર્ચા દરમિયાન રોડ એક્સિડન્ટને લઈને પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, હાઇવે પર ટ્રક ઉભા રાખવામાં આવે છે, તે એક મોટો વાંધાજનક પ્રશ્ન છે. હાઇવે NHAI અંતર્ગત આવે છે. અમે કહીએ છીએ કાર્યવાહી કરો અને લૉ એન્ડ ઓર્ડર રાજ્ય સરકારોનો વિષય છે.

નીતિન ગડકરીએ કહ્યું કે, આનાથી અમે કંટાળી ગયા છીએ એટલે હવે એક નવી ટેક્નોલોજીનું નિયમ બનાવવામાં આવ્યો છે, જેમાં હવે ઓટોમેટિક એક્સલ હશે, જે તેમાં વેઇટ મેનેજમેન્ટ સિસ્ટમ હશે. આ સિસ્ટમમાં ટ્રક પર જ લખાઈને આવશે કે, ટ્રકમાં કેટલા વજનનો સામાન લોડ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ આસામમાં રોડ એક્સિડન્ટથી મોતના આંકડાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મોટા ભાગના અકસ્માત ટ્રકને કારણે થયા છે. ટ્રક ઓવરલોડ થઈને આવે છે અને ફૂલ સ્પીડથી આવે છે. શું તમારું મંત્રાલય આ પ્રકારની કોઈ સકારાત્મક વિચારધારા રાખે છે, જેનાથી ઓવર સ્પીડમાં જતા ટ્રકની જાણકારી પોલીસ સુધી પહોંચે અને તેને પહેલા જ રોકી શકાય.

