fbpx

પક્ષીઓના એક ટોળાને કારણે એક ઝટકે 179 જિંદગી પૂરી થઈ ગઈ

જેજુ એર બોઇંગ 737-800 વિમાનમાં 181 લોકો સવાર હતા અને લેન્ડિંગ ગિયરમાં ખામીને કારણે રવિવારે દક્ષિણ કોરિયામાં રનવે પરથી સરકીને વાડની દીવાલ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં 179 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સ્થાનિક ન્યૂઝ એજન્સીએ ફાયર બ્રિગેડના કર્મચારીઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, વિમાનમાં બે લોકો જીવતા બચી ગયા હતા, જ્યારે અન્ય તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોના મોત થયા હતા. રાહત અને બચાવ કાર્યમાં લાગેલા કર્મચારીઓએ આ સમાચાર લખાઈ છે ત્યાં સુધી 120 મૃતદેહો બહાર કાઢ્યા છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેન રનવે પર લપસી ગયું અને કેવી રીતે આગની લપેટમાં આવી ગયું.

સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર સવારે 9:07 વાગ્યે થઈ, જ્યારે જેજુ એર ફ્લાઈટ 2216 દેશના દક્ષિણ પશ્ચિમમાં મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી. વિમાન બેંગકોકથી દક્ષિણ કોરિયા પરત ફરી રહ્યું હતું.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વિડિયોમાં પ્લેન રનવે પરથી લપસીને આગની જ્વાળાઓમાં ભડકતું દેખાઈ રહ્યું છે. સ્થાનિક મીડિયા અનુસાર, અધિકારીઓનું માનવું છે કે, વિમાન પક્ષીઓના ટોળા સાથે અથડાયું, જેના કારણે તેના લેન્ડિંગ ગિયરમાં ખરાબી આવી ગઈ હતી.

સ્થાનિક સમાચાર પત્રએ અધિકારીઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, વિમાન લેન્ડ કરવાના બીજા પ્રયાસ દરમિયાન તે ક્રેશ થયું હતું. એરપોર્ટની ચારે બાજુ ફર્યા પછી લેન્ડિંગ ગિયરને પુરી રીતે ફેલાવ્યા વગર ઈમરજન્સી બેલી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પછી વિમાન તૂટીને ટુકડામાં ફેરવાઈ ગયું હતું. અકસ્માતના સ્થળેથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. અત્યાર સુધીમાં એક મુસાફર અને એક ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે.

વિમાનમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર સવાર હતા. મુસાફરોમાંથી, 173 દક્ષિણ કોરિયાના નાગરિકો છે, અને 2 અન્ય લોકો પાસે થાઈ પાસપોર્ટ છે.

દુર્ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પ્લેન રનવે પરથી ઉતરીને દૂર સુધી સરકતું જોવા મળે છે અને પછી આગળ જઈને એક બાઉન્ડરીની દીવાલ સાથે અથડાય છે. અથડાયા પછી પ્લેનમાં જોરદાર વિસ્ફોટ થાય છે અને તેના ટુકડે ટુકડા થઇ જાય છે. અથડાયા પછી તરત જ પ્લેનમાં આગ લાગી જાય છે. આ દુર્ઘટનાને દક્ષિણ કોરિયાની સૌથી ભયાનક વિમાન દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે.