fbpx

BCCI સામે મોટો સવાલ, રોહિતની જગ્યાએ કોણ? છે 4 દાવેદાર, કોહલી પણ લાઈનમાં!

Spread the love

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધીના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયા ટીકાકારોના નિશાના પર છે. પર્થમાં પ્રથમ ટેસ્ટમાં જીત પછી ભારતીય ટીમની ગતિ ધીમી પડી ગઈ અને એડિલેડ પછી તરત જ મેલબોર્નમાં હાર થઇ તો સતત સવાલો ઉઠી રહ્યા છે. આ શ્રેણીમાં રોહિત શર્માનું પ્રદર્શન શરમજનક રહ્યું છે. તેણે 2024માં ટેસ્ટમાં 25થી ઓછી એવરેજથી રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, રોહિત સિડનીમાં પોતાના કરિયરની છેલ્લી ટેસ્ટ મેચ રમશે.

એક અંગ્રેજી સમાચારપત્રમાં છપાયેલા અહેવાલ અનુસાર, રોહિતની નિવૃત્તિ નિશ્ચિત છે. હવે સવાલ એ થાય છે કે, જો રોહિત નિવૃત્તિ લેશે તો ટેસ્ટમાં ભારતનો આગામી કેપ્ટન કોણ બનશે? આ અંગે અટકળો શરૂ થઈ ગઈ છે અને કેટલાક નામ સામે આવ્યા છે. BCCI આમાંથી કોઈપણ એક ખેલાડીને કેપ્ટન બનાવી શકે છે. બોર્ડે હવે કડક નિર્ણય લેવો પડશે.

વિરાટ કોહલીઃ ભારતના સૌથી સફળ કેપ્ટન વિરાટ કોહલીએ 2022માં આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તે ફરીથી કેપ્ટનશિપની રેસમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોહલીએ ટીમ મેનેજમેન્ટને કહ્યું છે કે, તે ફરીથી સુકાની પદ સંભાળવા ઇચ્છુક છે. વિરાટે 68 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશિપ કરી છે અને ટીમે 40 મેચ જીતી છે. 17માં હારનો સામનો કરવો પડ્યો હતો અને 11 મેચ ડ્રો રહી હતી. તે ભારતના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે.

જસપ્રિત બુમરાહઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. પર્થમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. બુમરાહ ટીમ માટે ચમત્કારિક ખેલાડી છે, જેણે વર્તમાન શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચમાં રેકોર્ડ 30 વિકેટ લીધી છે.

રીષભ પંતઃ સ્ટાર વિકેટકીપર રીષભ પંતે IPLમાં દિલ્હી કેપિટલ્સની આગેવાની કરી છે. તે મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં ભારતનું નેતૃત્વ કરી ચુક્યો છે. તેનું લક્ષ્ય ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરવાનું છે. ગયા અઠવાડિયે MCG ખાતે બોક્સિંગ ડે ટેસ્ટમાં બેજવાબદાર શોટ રમવા બદલ રીષભ પંતની ટીકા થઈ હતી. આમ છતાં તે કેપ્ટનશિપની રેસમાં યથાવત છે.

શુભમન ગિલઃ યુવા સ્ટાર શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે અને આ વર્ષની શરૂઆતમાં તેણે ODI ક્રિકેટમાં પણ કેપ્ટનશિપ કરી હતી. પરંતુ તાજેતરમાં ગિલને તેના ખરાબ ફોર્મના કારણે ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. તેણે મર્યાદિત ઓવરોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. તે ટેસ્ટમાં કેપ્ટનશિપનો દાવેદાર છે.

error: Content is protected !!