fbpx

ચહલ અને ધનશ્રીના સંબંધોમાં આવી ખટાશ, બંનેનું અલગ થવું નિશ્ચિત

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્મા વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ખટાશ આવી ગઈ છે. છૂટાછેડાની અફવાઓ વચ્ચે, બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. યુઝવેન્દ્રએ ધનશ્રી સાથેની તમામ તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. ધનશ્રીએ યુઝવેન્દ્રને અનફોલો કરી દીધા છે, પરંતુ તેની તસવીરો હટાવી નથી. મીડિયા પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વિશ્વાસપાત્ર સૂત્રોએ જણાવ્યું છે કે, છૂટાછેડાની અફવાઓ સાચી છે. સૂત્રોએ જણાવ્યું કે, ‘છૂટાછેડા નક્કી જ છે, બસ માત્ર ઔપચારિક જાહેરાત થવાની બાકી છે.’

અલગ થવાનું સાચું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ બંનેએ અલગ થવાનો નિર્ણય લઇ લીધો છે. આ ખબર 2023માં શરૂ થઇ જ્યારે ધનશ્રીએ તેના ઇન્સ્ટાગ્રામ નામમાંથી ‘ચહલ’ અટક કાઢી નાખી હતી. તેના એક દિવસ પછી, યુઝવેન્દ્રએ એક રહસ્યમય ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી, જેમાં લખ્યું હતું, ‘એક નવું જીવન શરૂ થઈ રહ્યું છે.’ તે સમયે યુઝવેન્દ્રએ એક નોંધ બહાર પાડીને આ અફવાઓને ફગાવી દીધી હતી. તેણે તેના ચાહકોને કહ્યું હતું કે, આવી અફવાઓ પર વિશ્વાસ ન કરો અને તેને ફેલાવો નહીં.

યુઝવેન્દ્ર અને ધનશ્રીના લગ્ન 11 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા. ઝલક દિખલા જા 11માં ધનશ્રીએ તેની લવ સ્ટોરી વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું, ‘લોકડાઉન દરમિયાન કોઈ મેચ થઈ રહી ન હતી અને તમામ ક્રિકેટરો ઘરે બેસીને કંટાળી ગયા હતા. તે દરમિયાન એક દિવસ યુજીએ ડાન્સ શીખવાનું નક્કી કર્યું. તેણે મારા ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર જોયા હતા. પહેલા હું ડાન્સ શીખવતી હતી. તેણે ડાન્સ શીખવા માટે મારો સંપર્ક કર્યો. હું સંમત થઇ ગઈ.’

હાલમાં જ એવી ખબર આવી હતી કે, ધનશ્રી બહુ જલ્દી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેનો પહેલો પ્રોજેક્ટ આકાશમ દાથી વાસ્તવ છે, જે દિલ રાજુના બેનર હેઠળ બનાવવામાં આવશે. બંને વચ્ચે છૂટાછેડા થવાના આ સમાચાર પછી ફેન્સમાં ભારે હલચલ મચી ગઈ છે. તેઓ તેમના મનપસંદ કપલને ફરીથી સાથે જોવા માંગે છે.

યુઝવેન્દ્ર ચહલ હાલમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. તે T20 વર્લ્ડ કપ 2024 જીતનારી ટીમનો ભાગ હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. તેણે ભારત માટે તેની છેલ્લી વનડે જાન્યુઆરી 2023માં અને તેની છેલ્લી T20 ઓગસ્ટ 2023માં રમી હતી. આ પછી પણ પંજાબ કિંગ્સે તેને IPL 2025ની હરાજીમાં 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

Leave a Reply