ઘણા વર્ષોથી સાફ સફાઈમાં નંબર-1 રહેલું ઈન્દોર હવે ભિક્ષુકોની સફાઈ કરવા જઈ રહ્યું છે. 1 જાન્યુઆરી 2025થી ભિક્ષા આપવાવાળાઓની સામે કેસ નોંધવામાં આવશે. ઈન્દોરમાં ભિક્ષા માંગવા પર પ્રતિબંધ મૂકતો આદેશ પહેલા જ બહાર પાડવામાં આવ્યો હતો.
ઈન્દોરના કલેક્ટર આશિષ સિંહે કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ 1 જાન્યુઆરીથી ભિક્ષુકને ભિક્ષા આપતો જોવા મળશે તો, તેની સામે FIR નોંધવામાં આવશે.
માત્ર ઈન્દોર જ નહીં, દેશના અનેક શહેરોને ભિક્ષુકોથી મુક્ત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો કે ભારતમાં ભિક્ષા માંગવી એ ગુનો માનવામાં આવે છે, પરંતુ અદાલતોએ તેના પર પ્રતિબંધ મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
જુલાઈ 2021માં સુપ્રીમ કોર્ટે ભિક્ષા માંગવા પર પ્રતિબંધ મૂકવાની ના પાડી દીધી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ એક આર્થિક-સામાજિક સમસ્યા છે. કોર્ટે કહ્યું હતું કે, શિક્ષણનો અભાવ અને નોકરી ન મળવાને કારણે ઘણા લોકો ભિક્ષા માંગવા મજબૂર બને છે.
અગાઉ 2018માં દિલ્હી હાઈકોર્ટે પણ તેના પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, ભિક્ષા માંગવાને અપરાધ બનાવવાથી કેટલાક અત્યંત નબળા લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થશે. હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી કે, ‘લોકો રસ્તા પર ભિક્ષા એટલે નથી માંગતા કે તે તેમને પસંદ છે. પરંતુ તેઓ એટલા માટે કરતા હોય છે કે, તે તેમની જરૂરિયાત છે. પોતાની જિંદગી જીવવા માટે તેમની પાસે ભિક્ષા માંગવી એ છેલ્લો ઉપાય છે.’
કેટલા ભિક્ષુકો: 2011ની વસ્તી ગણતરી મુજબ, દેશભરમાં 3.72 લાખથી વધુ ભિક્ષુકો છે. તેમાંથી 1.97 લાખ પુરુષો અને 1.74 લાખ મહિલાઓ છે. તેમાંથી 55 હજારથી વધુ એવા લોકો ભિક્ષા માંગે છે કે જેમની ઉંમર 19 વર્ષથી ઓછી છે. 1.43 લાખથી વધુ ભિક્ષુકો એવા છે કે જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે.
ક્યાં અને કેટલા ભિક્ષુકો: દેશમાં સૌથી વધુ ભિક્ષુક પશ્ચિમ બંગાળમાં છે. પશ્ચિમ બંગાળમાં ભિક્ષુકોની સંખ્યા 81,244 છે. બીજા સ્થાને ઉત્તર પ્રદેશ છે જ્યાં 65,835 ભિક્ષુકો છે. આ સિવાય આંધ્રપ્રદેશમાં 30 હજાર 218, બિહારમાં 29 હજાર 723, મધ્યપ્રદેશમાં 28 હજાર 695 અને રાજસ્થાનમાં 25 હજાર 853 ભિક્ષુકો છે. રાજધાની દિલ્હીમાં ભિક્ષુકોની સંખ્યા 2,187 છે.
કયા ધર્મના કેટલા ભિક્ષુકો છેઃ ભિક્ષુકોમાં લગભગ 72 ટકા એટલે કે 2.68 લાખ હિંદુ છે. આ પછી 25 ટકા એટલે કે 92,760 મુસ્લિમો છે. આ મુજબ ભિક્ષા માંગનાર દરેક ચોથો વ્યક્તિ મુસ્લિમ છે. ભિક્ષા માંગનારા મુસ્લિમોમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે.
કેટલા શિક્ષિત ભિક્ષુકો છેઃ 2.92 લાખ ભિક્ષુકો અભણ છે. જ્યારે, ત્રણ હજારથી વધુ ભિક્ષુકો એવા છે કે જેમની પાસે કોઈ ડિપ્લોમા અથવા ડિગ્રી છે.
હાલમાં ભારતમાં ભિક્ષા માંગવા રોકવા માટે કોઈ કેન્દ્રીય કાયદો નથી. જો કે, બોમ્બે પ્રિવેન્શન ઓફ બેગિંગ એક્ટ 1959 20થી વધુ રાજ્યોમાં લાગુ છે. રાજધાની દિલ્હીમાં પણ લાગુ છે.
આ કાયદો ભિક્ષા માંગવાને ગુનો બનાવે છે. આ કાયદો માત્ર રસ્તા પર ભિક્ષા માંગવાને જ અપરાધ નથી ગણતો. પરંતુ, જો તમે કોઈપણ સાર્વજનિક સ્થળે ડાન્સ કરીને, ગીત ગાય ને, કોઈ ચિત્રકામ કરીને, કોઈપણ પ્રકારનું સ્ટંટ કરીને અથવા અન્ય કોઈપણ રીતે, જે માટે તમે લોકો પાસેથી પૈસા મેળવો છો, તેને પણ ‘ભિક્ષા’ તરીકે ગણવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિ ભિક્ષા માંગતો પકડાય છે, તો તેને ભિક્ષુક ગૃહમાં એકથી ત્રણ વર્ષ સુધી અટકાયતમાં રાખી શકાય છે. જો તે જ વ્યક્તિ ફરીથી ભિક્ષા માંગતો પકડાય છે, તો તેને 10 વર્ષ સુધી કસ્ટડીમાં રાખવામાં આવી શકે છે. આટલું જ નહીં, પોલીસ કોઈપણ વોરંટ વિના ભિક્ષા માંગતી વખતે ધરપકડ કરી શકે છે.
તેવી જ રીતે ઉત્તર પ્રદેશમાં પણ 1975થી કાયદો છે. આ કાયદો ખાનગી જગ્યાઓ પર ભિક્ષા માંગવાને અપરાધ માને છે. પોલીસ ખાનગી જગ્યાએ ભિક્ષા માગતા વ્યક્તિની કોઈપણ વોરંટ વિના ધરપકડ કરી શકે છે. જોકે, તેમાં એક છટકબારી એ પણ છે કે, જો કોર્ટને લાગે કે તે વ્યક્તિ ભિક્ષા માંગતો ન હતો તો તેને છોડી દેવામાં આવે છે, પરંતુ જો તે ભિક્ષા માંગતો હોવાનું સાબિત થઇ જાય તો પછી તેને સજા કરવામાં આવે છે.
રેલવે એક્ટ હેઠળ રેલવે સ્ટેશન પર ભિક્ષા માંગવી એ ગુનો છે. રેલવે એક્ટની કલમ 144 હેઠળ રેલવે સ્ટેશન અથવા પ્લેટફોર્મ પર ભિક્ષા માંગવી એ ગુનો છે.
આ કલમ હેઠળ જો દોષી સાબિત થાય તો એક વર્ષ સુધીની જેલ અથવા 2,000 રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે.
ભારતમાં, બાળકો પાસે ભિક્ષા મંગાવવી એ એક મોટો ગુનો છે અને આમ કરવાથી ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ, બાળકો કે કિશોરો પાસે ભિક્ષા મંગાવવી અથવા તેમને તે કામ માટે મોકલવો એ ગુનો છે.
આ કાયદામાં એવી જોગવાઈ છે કે, જો કોઈ વ્યક્તિ બાળકો કે કિશોરો પાસે ભિક્ષા મંગાવે છે અથવા તેને તે કામ માટે મોકલે છે, તો જો તે દોષિત સાબિત થાય તો તેને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આ ઉપરાંત તેના પર દંડ પણ લગાવવામાં આવી શકે છે.