આ દિવસોમાં, ‘પાણીની રાણી’ કહેવાતી એક માછલી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે, અને તેની કિંમત જાણીને તમે ચોંકી જશો. હકીકતમાં, નવા વર્ષ નિમિત્તે જાપાનના ટોક્યોમાં યોજાયેલી માછલીની હરાજીમાં હંગામો મચી ગયો હતો. ટોક્યોના ફિશ માર્કેટમાં યોજાયેલી આ હરાજીએ રેકોર્ડ તોડ્યો છે. આ માછલીનું નામ બ્લુફિન ટુના છે, જે કરોડો રૂપિયામાં વેચવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, Onodera ગ્રુપની મિશેલિન સ્ટારેડ સુશી રેસ્ટોરન્ટે બ્લુફિન ટુના નામની આ માછલી ખરીદી છે. ફિશ માર્કેટમાં આયોજિત હરાજીમાં આ માછલીએ જબરદસ્ત રેકોર્ડ બનાવ્યો છે અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. આ અંગે લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ માછલી 11 કરોડ રૂપિયામાં વેચાઈ છે અને આ જ કારણ છે કે, તેની આ વેચાણ કિંમતના કારણે હોબાળો મચી ગયો છે.
આ કોઈ નાની માછલી નથી, પરંતુ 276 કિલોની બ્લુફિન ટુના માછલી છે, જે હરાજીમાં 207 મિલિયન યેન એટલે કે 11 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. આ માછલી તેની સ્પીડ માટે જાણીતી છે અને તેની સાઈઝ એક મોટરસાઈકલ જેટલી હોય છે. તેની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. દરિયામાં ઊંડે સુધી ડૂબકી મારતી આ માછલી પોતાના ખાસ ગુણોને કારણે આખી દુનિયામાં પ્રખ્યાત છે. 1999ના ડેટા અનુસાર, તે ટોક્યોના ફિશ માર્કેટમાં હરાજીમાં વેચાયેલી બીજી સૌથી મોંઘી માછલી છે. આ માછલીને ખરીદવા માટે એક રેસ્ટોરન્ટે 11 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને તેથી જ જાપાનમાં તેના સમાચારો ખૂબ ચર્ચામાં છે.
અગાઉ, 2019માં, 278 કિલો બ્લુફિન ટુના માછલી માટે 26.5 કરોડ રૂપિયાની બોલી મળી હતી. જાપાનના ટોયોસુ માર્કેટમાં દેશભરના વિક્રેતાઓ તેમની શ્રેષ્ઠ માછલીની હરાજી કરે છે. આ બજાર માછલીના વેપાર માટે પ્રસિદ્ધ છે, જ્યાં દર વર્ષે મોટી માત્રામાં માછલીની હરાજી થાય છે અને રેકોર્ડ ભાવ પ્રાપ્ત થાય છે. જાપાનમાં દર વખતે આ માછલીની હરાજી ચર્ચાનો વિષય બને છે.
ટોક્યોમાં દર વર્ષે માછલીની હરાજી યોજાય છે અને છેલ્લા પાંચ વર્ષથી Onodera ગ્રુપ સૌથી વધુ બોલી લગાવે છે. આ વખતે પણ આ જૂથે માછલી ખરીદીનો રેકોર્ડ બનાવ્યો છે. અહેવાલો અનુસાર, હરાજી પછી જૂથના શિંજી નાગાઓએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે લોકો આ માછલીનું સેવન કરે અને તેમના વર્ષની શરૂઆત શાનદાર રીતે કરે.