સિડની ટેસ્ટમાં ભારતીય ચાહકો માટે સારા અને ખરાબ બંને સમાચાર આવ્યા છે. જ્યાં ભારતીય પેસરો અને ફિલ્ડરોએ મળીને ઓસ્ટ્રેલિયાને 181 રનના સ્કોર સુધી રોકી દીધું હતું. ખરાબ સમાચાર એ છે કે, મેચની કેપ્ટનશીપ કરી રહેલા જસપ્રીત બુમરાહને હોસ્પિટલ જવું પડ્યું. અહેવાલો અનુસાર, તે સ્કેન માટે હોસ્પિટલમાં ગયો છે. તેને કેવા પ્રકારની ઈજા થઈ છે તે અત્યારે સ્પષ્ટ થયું નથી. પરંતુ પ્રસિદ્ધ ક્રિષ્નાએ આ અંગે કહ્યું હતું કે, બૂમરાહની પીઠમાં પ્રોબ્લેમ છે. બૂમરાહ પીઠમાં દુખાવાને કારણે સ્કેન માટે ગયો હતો અને મેડિકલ ટીમ અત્યારે તેની તપાસ કરી રહી છે. પરંતુ ટેસ્ટ મેચના સૌથી મહત્ત્વના ત્રીજા દિવસે તે બોલિંગ કરવા ઉતરી શકશે કે નહીં તે અંગે અવઢવ જ છે.
હકીકતમાં, પ્રથમ સત્ર સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું. બુમરાહ તેના સાથી બોલરો સાથે અદ્ભુત બોલિંગ કરી રહ્યો હતો. પરંતુ બીજા સેશનમાં તે માત્ર એક ઓવર નાંખીને મેદાનની બહાર નીકળી ગયો હતો. તે સપોર્ટ સ્ટાફ સાથે મેદાન છોડતો જોવા મળ્યો હતો. બુમરાહ ટીમ ઈન્ડિયાની મેચવાળી જર્સીમાં પણ નહોતો. તેણે ટ્રેનિંગ કીટ પહેરી હતી. બુમરાહ એક કારમાં બેસીને સ્ટેડિયમની બહાર નીકળતો જોવા મળ્યો હતો. આ દરમિયાન ટીમ ડોક્ટર પણ તેમની સાથે જોવા મળ્યા હતા.
બુમરાહને આ રીતે બહાર જતા જોઈને કોમેન્ટેટર્સે પણ ચિંતા વ્યક્ત કરી હતી. એક સ્પોર્ટ્સ ચેનલ પર કોમેન્ટ્રી કરી રહેલા એડમ ગિલક્રિસ્ટે કહ્યું કે, બુમરાહના બહાર ગયા પછી ટીમ ઈન્ડિયાની બોડી લેંગ્વેજ અને ઉત્સાહ બિલકુલ ગાયબ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. સ્પષ્ટ દેખાય છે કે કંઈક તો ગડબડ છે. આનાથી માત્ર આ ટેસ્ટ મેચ જ નહીં પરંતુ સમગ્ર શ્રેણીના પરિણામ પર પણ ભારે અસર પડી શકે છે. આ એક દિલ તોડી નાખનારી વાત છે. જ્યારે રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે, આનાથી આખી સિરીઝ પર અસર પડી શકે છે.
બુમરાહની વાત કરીએ તો આ સિરીઝમાં તેણે અત્યાર સુધીમાં 32 વિકેટ ઝડપી છે. તે ત્રણ વખત પાંચ વિકેટ લઇ ચુક્યો છે. આ મેચની વાત કરીએ તો સિડની ટેસ્ટના બીજા દિવસે ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સિરાજની ત્રિપુટીએ મળીને ઓસ્ટ્રેલિયાની ટીમની પ્રથમ ઇનિંગ્સને 181 રન સુધી મર્યાદિત કરી હતી અને પ્રથમ દાવના આધારે ચાર રનની મનોવૈજ્ઞાનિક લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયા તરફથી ડેબ્યુ કરનારે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. જ્યારે સ્મિથે 33 રન અને કોન્ટાસે 23 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી પ્રસિદ્ધ ક્રિષ્ના અને સિરાજે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે બુમરાહ અને નીતિશ રેડ્ડીને બે-બે વિકેટ મળી છે.