ગુજરાત સરકારનાં GSPC ગ્રુપની કંપની ગુજરાત લિમિટેડ દ્વારા એક કિલો CNGના ભાવમાં કરવામાં આવેલ વધારો પાછો ખેચવા તથા સંબંધિત વિભાગના અધિકારીઓ સામે તપાસ કરી કાર્યવાહી કરવા તથા ગ્રાહકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે એવા જવાબદાર અધિકારીઓની દક્ષિણ ગુજરાતમાં નિમણૂક કરી સ્થાનિક કક્ષાએ ગ્રાહક ફરિયાદ નિવારણ કચેરી શરૂ કરવા બાબત કોંગ્રેસના નેતા દર્શનકુમાર એ. નાયક એક રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી કનુ દેસાઇ અને ગુજરાત ગેસ લિમિટેડ અને GSPLના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ તોરવણે ને કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે સરકાર દ્વારા પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટે ગેસ અને વીજળીથી ચાલતા વાહનો શરૂ કરવામાં આવેલ. ગુજરાત ગેસના સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ૧૮૫ CNG સ્ટેશન કાર્યરત છે. ૬ જેટલા CNG સ્ટેશન દાદરા નગર હવેલીમાં ચાલી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં ૨૨૧, સેન્ટ્રલ ગુજરાતમાં ૧૧૨, નોર્થ ગુજરાતમાં ૪૫ CNG સ્ટેશન કાર્યરત છે. “ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (FGPDA) એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, રાજ્યમાં CNG પર ચાલતા સાર્વજનિક પરિવહન બસો અને માલસામાનની ગાડીઓ જેવા કોમર્શિયલ વાહનો મળી લગભગ ૧૨ લાખ CNG વાહનો છે. જેમાં ૪ લાખ CNG ઓટોરિક્ષા અને લગભગ ૬ લાખ ફોર-વ્હીલરનો સમાવેશ થાય છે. માત્ર સુરતમાં ઓટો રીક્ષા અને સ્કૂલ વાહનો મળી એક લાખથી વધુ CNG વાહનો દોડે છે.પરંતુ જે રીતે ગેસના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે તે રીતે એક દિવસ પેટ્રોલ, ડીઝલ અને ગેસનો ભાવ એક સરખો થઈ જવા પામશે અને વાહનચાલકો ગેસના બદલે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોના ઉપયોગનો જ આગ્રહ રાખશે. જેથી ગેસના ભાવ નિયંત્રણમાં રહે એ ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમ અને ગેસના ભાવમાં વધારો થાય ત્યારે પેટ્રોલિયમ અને ગેસના ભાવમાં વધઘટ થાય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં જ્યારે ઘટાડો થયેલ હતો ત્યારે GSPC ગ્રુપની કંપનીએ CNG (કોમ્પ્રેશ્ડ નેચરલ ગેસ)નાં ભાવમાં ઘટાડો કરેલ હતો નહીં અને મોટા પાયે નફો કરેલ હતો.
ગુજરાત સરકારનાં GSPC ગ્રુપની કંપનીએ CNG (કોમ્પ્રેશ્ડ નેચરલ ગેસ)નાં ભાવમાં બુધવારે રાતે ૧૨ વાગ્યા પછી અમલમાં આવે એ રીતે ૧.૫૦ રૂપિયા / કિલો નો ભાવ વધારો જાહેર કર્યો છે. ૨૦૨૪ના વર્ષમાં ગેસના ભાવમાં ચોથીવાર ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેથી આવી કારમી મોંઘવારીમાં CNG ગેસનો ભાવ ૭૭.૭૬ રૂપિયાથી વધી ૭૯.૨૬ રૂપિયા ચૂકવવો પડશે. આ અગાઉ GSPC ગ્રુપની કંપનીએ ૧ ડિસેમ્બરે ૧.૫૦ રૂપિયા ગેસના ભાવમાં વધારો કર્યો હતો. એના બરાબર 30 દિવસ પછી ફરી ૧.૫૦ રૂપિયા/કિલો ભાવ વધાર્યો છે. આ પહેલા ૨૪ જુલાઈ ૨૦૨૪ના રોજ એક રૂપિયો, ઑગસ્ટ મહિનામાં એક રૂપિયો, હવે ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી ૧.૫૦ રૂપિયા વધાર્યા છે. આમ છેલ્લા ૬ મહિનામાં ૫ રૂપિયા/કિલો આ CNG ગેસનાં ભાવમાં વધારો થયો છે. આમ ૨૦૨૪ના વર્ષમાં ચારવાર ગુજરાત સરકારનાં GSPC ગ્રુપની કંપનીએ CNGના ભાવમાં વધારો કર્યો છે. જેની દક્ષિણ ગુજરાતનાં ૬ લાખ ગુજરાતમાં કુલ ૨૨ લાખ વાહન માલિકોને અસર થશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે કોઈ હોબાળો ન મચે એ માટે આયોજન પૂર્વ ગુજરાત ગેસ કંપની ભાવ વધારી રહી છે.
આમ, ભાવ વધારો કરીને સપ્ટેમ્બર ૨૦૨૪ના વર્ષમાં ગુજરાત ગેસ કંપની એ ૩૦૮.૭૪ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. ગુજરાત ગેસનાં કોન્સોલિડેટેડ ત્રિમાસિક નંબરો જાહેર થયા હતા એ મુજબ સપ્ટેમ્બર ૨૦૨૪ના વર્ષમાં રૂ. ૩,૭૮૧.૭૫ કરોડ પર ચોખ્ખું વેચાણ થયું હતું. જે ગત વર્ષે સપ્ટેમ્બર ૨૦૨૩ ના વર્ષમાં ૩,૮૪૫.૪૦ કરોડ થયું હતું. આમ, ત્રિમાસિક ચોખ્ખો નફો સપ્ટેમ્બર ૨૦૨૪ના વર્ષમાં ૪.૨૨ % વધીને ૩૦૮.૭૪ કરોડ રૂપિયા નોંધાયો હતો, જે સપ્ટેમ્બર ૨૦૨૩ના વર્ષમાં ૨૯૬.૨૫ કરોડ હતો અને માર્ચ નાણાકીય વર્ષ ૨૦૨૪ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો વધીને ૪૦૯.૫ કરોડ રૂપિયા થઈ ગયો છે. જે ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 326 કરોડ હતો. કંપનીના નફામાં ૨૫.૬ % વધારો નોંધાયો હતો. આમ કંપની દ્વારા વધુને વધુ નફો કમાવવા માટે કોઈને કોઈ બહાને ગેસનાં ભાવમાં વધારો કરવાં આવી રહ્યો છે. કંપની ગેસનાં ભાવ ઘટાવા કરવાને બદલે ભાવમાં વધારો કરીને કરોડો રૂપિયાનો નફો કમાઈ કરી રહેલ છે. જેનો બોજો સામાન્ય નાગરિકો ઉપર પડી રહ્યો છે.
વધુમાં જણાવવાનું કે ગુજરાત ગેસ કંપની જ્યારથી GSPC ગ્રુપની કંપની હસ્તક થઈ છે ત્યારથી મેન્ટેનન્સ, સમારકામ અને મીટર રીડિંગ કરી બિલિંગ બનાવવાના કામમાં ગુણવત્તા જળવાઈ રહી નથી.જે પેટા કોન્ટ્રાક્ટરો/એજન્સીને ગેસ કનેક્શન ,મેન્ટેનન્સ, સમારકામ અને મીટર રીડિંગ કરી બિલિંગ બનાવવાનું કામ સોંપવાના આવેલ છે, ત્યારથી ગેસ કનેક્શન, મેન્ટેનન્સ અને સમારકામ સમયસર થઈ રહેલ નથી એવી ફરિયાદો ઉઠી રહેલ છે અને ગ્રાહકોને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં લાખોની સંખ્યામાં CNG અને PNG તથા ઘરેલુ ગેસ વપરાશના ગ્રાહકો છે. અનેક ઘરેલુ ગેસના ગ્રાહકો એવા છે કે જેમની પાસે કલેક્શન માટે ડીપોઝીટ રૂપિયા લેવામાં આવેલ છે. જે ભરેલ ડીપોઝીટની રસીદ આ સાથે બિડાણ કરેલ છે. પરંતુ વર્ષો થઈ ગયા તેમ છતાં આજદિન સુધી આ ગ્રાહકોને ગેસ કનેક્શન આપવામાં આવેલ નથી તેમજ કંપની દ્વારા ગ્રાહકોના ડીપોઝીટના રૂપિયા વાપરવામાં આવી રહ્યા છે. આમ અનેક ગ્રાહકો સાથે અન્યાય થઈ રહેલ છે.
વધુમાં જણાવવાનું કે જ્યારે ગ્રાહકો કોઈ રજૂઆત કે ફરિયાદ લઈને કંપનીના સ્થાનિક કેન્દ્ર ઉપર જાય છે ત્યારે ગ્રાહકોને યોગ્ય ઉત્તર આપવામાં આવી રહ્યા નથી તથા કોઈ પણ સ્થાનિક અધિકારી ફરિયાદ બાબતે જવાબદારી સ્વીકારવા તૈયાર થઈ રહેલ નથી તેમજ સ્થાનિક અધિકારીઓ દ્વારા ગ્રાહકોને ફરિયાદ નિવારણ માટે ગાંધીનગર ખાતેની હેડ ઓફિસે રજૂઆત અને ફરિયાદ કરવા જણાવવામાં આવે છે. જેથી જે ખાનગી એજન્સીને ગેસ કનેક્શન, મેન્ટેનન્સ અને સમારકામનું કામ સોંપવામાં આવેલ છે તેમની કામગીરીની સમીક્ષા કરી આવા કોન્ટ્રાકટર/એજન્સીને બ્લેક લિસ્ટ કરવી જોઈએ તેમજ દક્ષિણ ગુજરાતમાં કંપનીએ તેની સાથે જોડાયેલ લાખો ગ્રાહકોની ફરિયાદ નિવારણ કરવા બાબતે જવાબદારી સ્વીકારી શકે એવા સાઈડ જનરલ મેનેજર, સાઈડ એમ.ડી તથા સાઈડ જોઇન્ટ ડાઇરેક્ટર જેવા પદો ઊભા કરી દક્ષિણ ગુજરાતમાં ગ્રાહક ફરિયાદ નિવારકણ કચેરી શરૂ કરવી જોઈએ.
રજૂઆતને ધ્યાને ગુજરાત સરકારનાં GSPC ગ્રુપની કંપની ગુજરાત લિમિટેડ દ્વારા એક કિલો CNG નાં ભાવમાં હાલમાં જે વધારો કરવામાં આવ્યો છે તે પાછો ખેચાવશો તથા સબંધિત વિભાગના જે અધિકારીઓ દ્વારા ગ્રાહકોની ફરિયાદ બાબતે ગંભીરતા દાખવવામાં આવેલ નથી તેવા અધિકારીઓ સામે તપાસ કરી જવાબદારી નક્કી કરવામાં આવે અને તેમની સામે દાખલો બેસે એવી કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવે તથા ગ્રાહકોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે એવા જવાબદાર અધિકારીઓની દક્ષિણ ગુજરાતમાં નિમણૂક કરી સ્થાનિક કક્ષાએ ગ્રાહક ફરિયાદ નિવારણ કચેરી શરૂ કરવામાં આવે એવી લોકહિતમાં કાર્યવાહી કરશો.