fbpx

સુરતમાં પ્રમુખ બનવા લાઈન લાગી, 60-65 નેતાઓને ભાજપ શહેર પ્રમુખ બનવું છે

સુરત શહેર ભાજપ પ્રમુખ પદ માટે ફોર્મ ભરવાને લઈ ભારે ઉમળકો જોવા મળ્યો. ભાજપના ઈતિહાસમાં પહેલી વાર સમગ્ર દેશમાંથી એક માત્ર સુરત શહેર ભાજપમાં જ પ્રમુખ પદની દાવેદારી કરવા માટે 60-65 જણાએ ફોર્મ ભરીને દાવેદારી ઠોકી દેતા સિનિયર નેતાઓ અને નિરીક્ષકો ખુદ ચોંકી જઈને આશ્ચર્યમાં પડી ગયા હતા.

ભાજપના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ આજે પ્રમુખ પદ માટે નિરીક્ષક તરીકે સુરતના ભાજપના ઉપપ્રમુખ પંકજ દેસાઈ, સંગઠન રમેશ ઉકાણી, અમદાવાદના માજી ધારાસભ્ય રાકેશ શાહ અને પંચમહાલ-ગોધરાના કુલદીપસિંહ સોલંકી સેન્સ લેવા માટે સુરત આવ્યા હતા. અનેક નેતાઓએ પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યા હતા અને પોતાનો દાવો કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યત્વે વર્તમાન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલા, પૂર્વ ધારાસભ્ય અજય ચોકસી, ઝંખના પટેલ, હેમાલી બોઘાવાલા, બાબુભાઈ જીરાવાલા, પરેશ પટેલ સહિતના અનેક નેતાઓએ પ્રમુખ પદ માટે દાવો કર્યો હતો.

નોંધનીય સુરત ભાજપમાં એક સમય એવો હતો કે કાર્યકરો સામે ચાલીને પોતાની જાતને પ્રમુખ પદ માટે લાયક ન હોવાનું જણાવી દાવો તો શું પોતાની જાતને સ્વંયભૂ રીતે પ્રમુખ પદની ગણતરીમાં પણ લેતા ન હતા. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે અને સિનિયર તો સિનિયર અનેક કાર્યકરોએ પ્રમુખ પદ માટે દાવો કરતા ભાજપમાં શું ચાલી રહ્યું છે તે વાત અંગે સૌને વિચારતા કરી દીધા છે. જોકે, મોટાભાગના સૂત્રો કહી રહ્યા છે કે વર્તમાન પ્રમુખ નિરંજન ઝાંઝમેરાને જ રિપીટ કરી દેવામાં આવે તેવી સંભાવના પ્રબળ છે.

પ્રમુખ પદ અંગે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયામાં જે પ્રકારે રાફડો ફાટ્યો છે તેને લઈ ભાજપના અન્ય સૂત્રો કહી રહ્યા છે કે સૌથી મોટી પાર્ટી છે એટલે આટલા બધા દાવેદારો આવે તે અપેક્ષિત છે. પાર્ટી હવે વિશાળ વટવૃક્ષ બની ગઈ છે અને દાવો કરવા માટે દરેક કાર્યકરનો પોતાનો અધિકાર છે.

Leave a Reply